મેરાન્યૂઝ નેટવર્ક.પ્રાંતિજ: ગતિશીલ ગુજરાત અને વાઈબ્રન્ટ ગુજરાતના તાયફાઓ કરતી રાજ્ય સરકાર નારી સશક્તિ કરણ અને સમરસતાનું મુખોટું પહેરી ગુજરાત મોડેલને વિશ્વમાં ભાજપ સરકાર આગળ કરી રહી છે ગુજરાતનો વિકાસનો દેખાડો કરવા કરોડો રૂપિયાનો ધુમાડો કરી વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા થનગનાટ કરી રહી છે બીજીબાજુ થોડા દિવસ પહેલાં કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં ૬૮ દીકરીઓ સાથે માસિકધર્મ હોવા અંગે તપાસથી હાહાકાર મચ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે અનુ.જાતિ સમાજની દીકરીના લગ્નમાં ડીજે વગાડવાના મુદ્દે કહેવાતા સવર્ણ સમાજના અન્ય લોકોએ અનુ.જાતિ સમાજના લોકોનો બહિષ્કાર કરતા સામુહિક હિજરતની ફરજ પડી છે હાલ ગામના તમામ દલિત પરિવારોએ ગાંધીનગર પાસે એક ગામમાં આશરો લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

ભાજપના રાજમાં દલિતો પર અત્યાચારના કિસ્સા વધ્યા છે, પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે બે દિવસ પહેલા ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયેલું  ત્યારે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નાં દીધેલું અને નાં પાડી હોવા છતાં આ લોકોએ ડીજે કાઢ્યું એટલે ગ્રામજનોનો બહિષ્કાર કરી દઈ  બે દિવસથી ગામના ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે. ગામની પાણીની ટાંકી ખાલી કરી દેતા હાલમાં દલિત વિસ્તારમાં પાણી આવતું બંધ થઇ જતા અને ગામલોકોના ભય થી સામુહિક હિજરત કરવાની ફરજ પડી હતી ભયના ઓથાર હેઠળ જીવતા દલિત સમાજના પરિવારોએ પ્રાંતિજ પોલીસ મથકે શરણ લેવા મજબુર બન્યા છે હાલ આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

આ અંગે પ્રાંતિજ પીએસઆઈએ કઈ પણ કહેવાનો નનૈયો ભણી દીધો છે હાલ ગામમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો છે   

ઝાલાની મુવાડી ગામેથી સામુહિક બહિષ્કારનો ભોગ બનેલ અનુ.જાતિ સમાજના લોકો તેમના સગા-સંબંધીઓના ત્યાં આશરો લીધો હોવાનો અને કેટલાક લોકોને ગાંધીનગર ગામ નજીક આશરો આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઝાલાની મુવાડી ગામમાં અનુ.જાતિ સમાજના અગ્રણીઓએ ગામલોકોએ સામુહિક બહિષ્કાર કરતા તેમના બાળકોના અભ્યાસ અને માનસપટ પર ભારે અસર પડી હોવાનું માની રહ્યા છે