મેરાન્યૂઝ નેટવર્ક.પ્રાંતિજઃ દિલ્હી થી મુંબઈ ને જોડતો અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું હોવાથી અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર પડેલા ઠેર ઠેર ગાબડાં પડતા નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલ ખાડાને લઇને વાહન ચાલકો થાપ ખાઈ જતાં સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે. તો કેટલાય લોકોના હાથ પગ ભાગવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ શનિવારે રોડ પર પડેલા ખાડાઓના લીધે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સાથે અથડાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા વાહનચાલકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

શામળાજીથી ગાંધીનગર સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં ન આવતા ‘ડિસ્કો રોડ’થી તોબા પોકારી ઉઠેલા એક સ્થાનિક વાહન ચાલકે પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલપ્લાઝા પર એક વાહન ચાલકે હાઈવે પર પડેલા ઠેર ઠેર ખાડાથી તેની નવી નક્કોર કાર ખખડધજ બનતા ટોલટેક્ષ ભરવાનો નનૈયો ભણી ટોલપ્લાઝાના કર્મચારીઓ સાથે રોડ અંગે રોષપૂર્વક ઉગ્ર ભાષામાં રજૂઆત કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે હાઈવે પર પડેલા ખાડાઓ અને મસમોટા ગાબડાઓથી તોબા પોકારી ઉઠેલા વાહનચાલકો અને પ્રજાજનોએ વાહનચાકની રજૂઆતની સરાહના કરી સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ગાઢ નિંદ્રામાં પોઢેલ હાઈવે ઑથોરિટી અને ટોલપ્લાઝાના સંચાલક સામે રોષ ઠાલવી રહ્યા છે.

હાઈવે પર પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવે અને એ પણ થિંગડાઓ મુકીને નહીં તેવી માંગ કરવાની સાથે ગાબડાં પુરવામાં ન આવેતો વાહનચાલકોએ સામુહિક ટોલપ્લાઝા પર ટોલટેક્ષ નહીં ભરવા આહવાન કરી રહ્યા હોવાથી આગામી સમયમાં હાઈવે ઑથોરિટી અને ટોલપ્લાઝા સંચાલક સામે જન આંદોલન થાય તોય નવાઈ નહીં....!!

ભારે વરસાદથી અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત, વાહન ચલાવવામાં અગવડ, માલસામાનની હેરાફેરીમાં તકલીફ, જોખમી રોડ બની ગયો છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. નેશનલ હાઇવે રીપેર કરાવો તો જ ટેક્સ આપવામાં આવશે તેમ કહી ટેક્સ ન ભરીને વાહનચાલકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. વીડિયો અહીં દર્શાવ્યો છે.