મેરાન્યૂઝ નેટવર્ક.પ્રાંતિજ: પ્રાંતિજ તાલુકાના મૌછા ગામમાં વર્ષ ૨૦૧૪માં બંગડીઓ વેચવા આવેલ એક મહિલા પાસે ગામની જ એક મહિલા વાતચિત કરતા હતા તે દરમિયાન ગામના જ એક શખ્સે આવીને બંગડી લેનારની માતા સાથે ઝગડો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી મહિલાના પુત્રએ ઠપકો આપતા તેની અદાવત રાખીને ગામના શખ્સે મહિલાના પુત્ર ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. 

જે ઘટનાનો કેસ હિંમતનગર સ્થિત સ્પેશ્યિલ જજ (એટ્રોસીટી) અને બીજા એડીસનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે મૌછાના શખ્સને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તેમજ રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ શનિવારે કર્યો છે. 

આ અંગે પ્રાપ્ત થયેલ વિગત અનુસાર મૌછા ગામે રહેતા દિનેશજી બાદરજી પરમારના ઘર નજીક બંગડીઓ વહેચનાર બહેન બેઠી હોવાથી તા.૧૦ મે ૨૦૧૪ના રોજ એક મહિલા બંગડી લેતી હતી તે દરમિયાન મૌછાના દિનેશજી બાદરજી પરમારે બંગડી લેનાર મહિલાને ગાળો ભાંડી જાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. 

ત્યારબાદ મહિલાના પુત્ર વિજયકુમાર દિનેશજીના ઘર નજીકથી નિકળતા તુ મારે સામે કેમ જુવે છે તેમ કહી વિજયકુમારના કપાળમાં દંડો ફટકારી દીધો હતો. દિનેશજીએ બોલાચાલીની અદાવત રાખી વિજયકુમાર ઉપર દંડાથી હુમલો કરતા સમગ્ર મામલો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પ્રાંતિજ પોલીસે દિનેશજી બાદરજી પરમાર વિરૂધ્ધ હુમલા તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરવાની ઘટના સંદર્ભે એટ્રોસીટી એકટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ કર્યુ હતુ. 

મૌછાની ઘટના સંદર્ભે પ્રાંતિજ પોલીસના ચાર્જશીટ બાદ સમગ્ર ઘટનાનો કેસ હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લાના સ્પેશ્યિલ (એટ્રોસીટી) જજ અને બીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા એડી.પી.પી. વી.વી. મહેતાની ધારદાર અને અસરકારક દલીલોને તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ સાબરકાંઠા જિલ્લાના સ્પેશ્યિલ (એટ્રોસીટી) જજ અને બીજા એડીશનલ સેશન્સ જજ નાનજીભાઇ પથીભાઇ ચૌધરીએ મૌછાના દિનેશજી બાદરજી પરમારને સમગ્ર ઘટનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સખ્ત સજા ઉપરાંત રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ શનિવારે કર્યો છે. જો કે હુમલા અને એટ્રોસીટીના કેસમાં આરોપીને આજીવન સજા ફટકારી હતી.