પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે કોઈની સાથે અને  કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે ખાસ કરી આપણે જેને પોતાના માનતા હોઈએ તેમની સાથે જયારે મનદુખ થાય ત્યારે  આપણા મનમાં સંતાપનો જન્મ થાય છે, બહારથી આપણે ભલે સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરી પણ અંદર ઘણી ગડમથલો થતી હોય છે, આપણા મન ઉપર એક અજાણ્યો ભાર હાવી થઈ જાય છે, આપણી પાસે દુનિયાના ઘણા પ્રશ્નો સમજવાની અને બીજાને સમજાવવાની ક્ષમતા હોય છે, પણ પોતાની જાત સાથે આપણે પળેપળ રહેવાનું હોય છે છતાં આપણે  પોતાને સમજવામાં અને સમજાવવામાં નિષ્ફળ સાબીત થઈ છીએ.

આપણે કોઈની સાથે મતભેદ થાય અને વિરોધી વિચાર રજુ થાય ત્યારે તે મુદ્દે આપણે સામાન્ય ચર્ચા શરૂ થાય છે અને ચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યાર બાદ બંન્ને પક્ષે મગજ  ઉપરનું  નિયંત્રણ જતુ રહે છે, પછી જે શબ્દોનો પ્રયોગ શરૂ થાય છે તે બંન્ને માટે અસ્હય  હોય છે. અને એકદમ બંન્ને તરફથી સંવાદનો અંત લાવી  દેવામાં આવે છે, સંવાદનો અંત થાય ત્યારે જાણે આપણા માથા ઉપર કોઈએ એક હજાર કિલોનો પથ્થર મુકી દીધો હોય તેવો ભાર લાગે છે, મન દુખી થઈ જાય છે અને હાલતા-ચાલતા  પેલી દુખદ ઘટના આપણો પીછો કરતી રહે છે, આપણે જેમ જેમ મનને દુખી કરતી ઘટના ભુલવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ તે વધી દ્રઢતાથી આપણને વળગે છે.

આવુ કેમ થાય છે તેનો આપણે વિચાર કરતા નથી, આપણને બધાની સાથે,અને બધાને જ આપણી સાથે ફાવશે તેવુ કયારેય બનવાનું નથી, પણ જેમની આપણી સાથે બનતુ નથી તે આપણો દુશ્મન નથી,છતાં આટલી સરળ વાત આપણે જલદી  સ્વીકારી શકતા નથી,તેના કારણે આપણા મન ઉપર દુખ આપનારી ઘટનાઓની કડવાશના થર ચઢવા લાગે છે, આપણા મનમાં જયારે કડવાશનો જન્મ થાય છે ત્યારે આપણને સારૂ લાગતુ નથી પણ આપણા તરફથીતે કડવાશને દુર કરવાનો પ્રયત્ન કરતા નથી, જીવના કેટલીક બાબતો આપણે પોતે જ કરવી પડે છે આ કામ આપણા માટે બીજુ કોઈ કરી શકતુ નથી. કડવાશને દુર કરવાનો પહેલી શરૂઆત પોતાની સાથે વાત કરી જેના કારણે આપણને માઠુ લાગ્યુ છે તેનો મનોમન માફી આપવી પડે અને પોતાને કહેવુ પડે કે કદાચ મારો પણ વાંક હતો.

જયારે આપણે પોતાને સમજાવીએ કદાચ આપણો પોતાનો પણ વાંક હતો તેની સાથે સામેની વ્યકિત માટે રહેલા ગુસ્સાનો ગ્રાફ  કડડ કરતો તુટી જાય છે અને મનમાં રહેલી કડવાશામાં પણ ખાસ્સો ઘટાડો થઈ જાય છે. ત્યાર બાદ જેની  સામે આપણી નારાજગી હતી તેને મળવામાં વધારો લાંબો સમય લેવો જોઈએ નહીં,કારણ જેમ જેમ મળવાનો સમય લંબાશે તેમ તેમ આપણા અહંકાર અને શરમમાં વધારો થતો જશે જે આપણને બંન્ને મળતા અટકાવશે,આમ તો દોસ્ત મારી ભુલ થઈ ગઈતેવુ કહી દેવુ જોઈએ પણ ભુલ થઈ તેવી કબુલાત બહાદુર લોકો જ કરી શકે છે,કદાચ આપણે ભુલ કબુલ કરી શકીએ  બહાદુર નથી તો પણ વાંધો નથી,, માત્ર આપણા મિત્રને મળી તેના ખભે હાથ મુકીએ.

મારી સાથે પણ આવુ અનેક વખત બન્યુ છે, મને ગમતી વ્યકિતઓ સાથે માટે બોલવાનું થયુ અને ત્યાર બાદ મને તરત ભાન થાય કે આવુ થવુ જોઈતુ  ન્હોતુ, પણ ત્યાર બાદ માફી માંગવી મારા માટે પણ મુશ્કેલ થઈ જાય છે આવી વખતે મેં એક વચલો રસ્તો કાઢયો કે જેમની સાથે બોલવાનું થયુ  છે તેવી વ્યકિતને એક મેસેજ કરી એટલુ જ લખુ છુ તુ  મને આજે પણ એટલો જ ગમે છે, મારી માફી માંગવાની આ પધ્ધતિ છે આ પ્રકારની બીજી પણ કોઈ પધ્ધતિ હોઈ શકે છે પણ કડવાશ રાખી જીવી શકાય નહીં.