બિનીત મોદી(મેરાન્યૂઝ.અમદાવાદ): પાંચ દાયકાની રાજકીય કારકિર્દી દ્વારા ભારતના રાજકારણ પર અમિટ છાપ છોડી જનારા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને તેમણે સંભાળેલા અનેક હોદ્દાઓની રૂએ પણ યાદ કરવામાં આવશે. 1969થી નવી દિલ્લીમાં વસવાટ કરતા અને રાજકારણમાં સક્રિય રહેલા પ્રણવ મુખરજી 31મી ઑગસ્ટ 2020ની સાંજે નવી દિલ્લીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન પામ્યા. તેઓ પશ્ચિમ બંગાળ રાજ્યના વતની હોવા ઉપરાંત ત્યાંથી રાજ્યસભા અને લોકસભામાં એકથી વધુ મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા. આમ બંગાળ તેમને રાજ્યના પનોતા પુત્ર લેખે વિશેષ યાદ કરશે. તેમની રાજકીય કારકિર્દીની રૂએ ગુજરાત પણ તેમને વિશેષ રૂપે યાદ કરશે એમ કહેવું રહ્યું.

પ્રણવ મુખરજી પહેલી વાર રાજ્યસભામાં પશ્ચિમ બંગાળથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર 1969માં ચૂંટાઈ આવ્યા હતા. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1973માં તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો હતો. છ વર્ષની મુદત પછી 1975માં બીજી વાર રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા. ત્રીજી વાર 1981માં ચૂંટાઈ આવવાની જરૂર ઉભી થઈ ત્યારે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષનો સુરજ તપતો હતો અને મુખ્યમંત્રી જ્યોતિ બસુનું શાસન હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યોની સંખ્યા ઓછી હતી. ત્રીજી મુદત માટે તેઓ રાજ્યસભામાં પોતાના ગૃહ રાજ્યથી ચૂંટાઈ આવે એ ગણિત શક્ય નહોતું. એ સમયે 1980માં ચોથી વાર વડાપ્રધાન પદે આવેલા ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં કોમર્સ મિનિસ્ટર હતા. પદ પર ચાલુ રહેવું હોય તો બંધારણીય રીતે ચૂંટાઈ આવવું જરૂરી હતું.

સમય જતાં કૉંગ્રેસ પક્ષના ‘સંકટમોચક’ તરીકે ઓળખાનારા પ્રણબદા માટે એ સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સંકટમોચકની ભૂમિકામાં આવ્યા. માધવસિંહ સોલંકીએ તેમને ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર બનવાનું આમંત્રણ આપ્યું. આમ તેઓ ઑગસ્ટ 1981 થી ઑગસ્ટ 1987ની ત્રીજી મુદત માટે ગુજરાતમાંથી રાજ્યસભાના બત્રીસમા સંસદસભ્ય લેખે ચૂંટાઈ આવ્યા. આ સમગાળામાં જ તેમની પદોન્નતિ થતા નાણા મંત્રી થયા. નાણા મંત્રી લેખે તેઓ કેન્દ્રિય કૅબિનિટમાં નંબર બે ના સ્થાન પર હતા. બજેટ રજૂ કરવાની તૈયારી રૂપે રાજ્યોના વેપાર – ઉદ્યોગના પ્રતિનિધિ મંડળોને ચર્ચા માટે નવી દિલ્લી બોલાવવાની શરૂઆત તેમના સમયમાં વધારે પધ્ધતિસર રીતે અમલમાં આવી. ગુજરાતના પ્રતિનિધિઓ તેમને મળતા ત્યારે એમ કહેતા કે ‘યુ આર ફ્રોમ માય હોમ સ્ટેટ – ગુજરાત’. આ પછીની તેમની રાજકીય કારકિર્દીના ઉતાર – ચઢાવ અને છેલ્લે 2012માં રાષ્ટ્રપતિ પદ પામ્યા એ તમામ વાતો જાણીતી છે. તેનું પુનરાવર્તન નથી કરવું. રાષ્ટ્રપતિ પદ પામ્યા એ અગાઉથી તેઓ કૉંગ્રેસ પક્ષના ‘સંકટમોચક’ / Trouble Shooter ઓળખાવા લાગ્યા હતા. પરંતુ હવે એ ભૂમિકાથી આગળ વધીને દેશનું સર્વોચ્ચ પદ પામી ચૂક્યા હતા. બન્ને ગૃહોના મળીને તેઓ આડત્રીસ વર્ષ સંસદસભ્ય પદે રહ્યા એમ કહેવાય. ગુજરાતના આજ સુધીના રાજ્યસભાના બાણુ સંસદસભ્યોમાં રાષ્ટ્રપતિ પદનો સર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કરનાર પ્રણબ મુખરજી એક માત્ર છે. રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા જીવનસાથી શુવ્રા મુખરજીને ગુમાવનારા તેઓ પહેલા અને એક માત્ર રાષ્ટ્રપ્રમુખ છે.

રાષ્ટ્રપતિ પદે હતા ત્યારે ઑક્ટોબર 2016માં ગુજરાત – ગાંધીનગરની મુલાકાત દરમિયાન તેમણે જૂના મિત્ર માધવસિંહ સોલંકીને યાદ કર્યા. મળવાની ઇચ્છા વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ પદનો પ્રોટોકોલ બાજુ પર મુકીને તેઓ તેમના નિવાસસ્થાને મળવા જશે એમ પ્રવાસ વ્યવસ્થા કરનારાઓને જણાવ્યું અને એમ જ થયું. માધવસિંહ સોલંકી અને પ્રણવ મુખરજી એક સાથે કામ પણ કરી ચુક્યા હતા. માધવસિંહ સોલંકી જ્યારે વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવના પ્રધાનમંડળમાં વિદેશ રાજ્યમંત્રી હતા ત્યારે પ્રણવ મુખરજી આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા. બન્નેને એકમેકની કંપની ગમતી હતી, મિત્રતા હતી એટલે નવી દિલ્લીમાં સત્તાવાર નિવાસસ્થાન પણ બાજુ-બાજુમાં મેળવી શક્યા હતા.

માધવસિંહ સોલંકીનો તેમ પ્રણબદાનો પુસ્તક પ્રેમ – વાંચન પ્રેમ જાણીતો છે. રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમમાં પૂર્વ રાષ્ટ્રપતિઓની યાદમાં એક અલાયદી ગેલરી છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખોએ અંગત ઉપયોગમાં લીધેલી કે તેમણે સામેથી આપેલી કેટલીક ચીજ વસ્તુઓ અહીં પ્રદર્શિત છે. દરેકે જે તે સમયે ઉપયોગમાં લીધેલો પહેરવેશ એ ગેલરીમાં થયેલો સર્વસામાન્ય સમાવેશ છે. અહીં પ્રણબદા બે વસ્તુથી અલગ પડે છે. ભારતના બંધારણની એક નકલ તેઓ ઉપયોગ અર્થે હંમેશા સાથે રાખતા એ અહીં પ્રદર્શનમાં મુકવામાં આવી છે. બીજી વસ્તુ તે – પાઇપ. હા તેઓ પાઇપ પીવાના શોખીન હતા. સમય જતાં એ ટેવ તો છુટી ગઈ હતી પરંતુ અહીં તે કાયમી સંગ્રહમાં સ્થાન પામી છે.

રાજકીય વિશ્લેષકો પ્રણવ મુખરજી માટે હંમેશા એવો અફસોસ વ્યક્ત કરે છે કે સમગ્રતયા લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ કદી વડાપ્રધાન પદ સુધી ન પહોંચી શક્યા. ગુજરાતે એવો અફસોસ કરવાનું કોઈ કારણ નથી. કેમ કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મે 2014માં વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ખાનગીમાં ‘રાજધર્મનું પાલન’ કરવાની શિખામણ આપીને પહેલી સત્તાવાર મુલાકાતમાં ભારતના બંધારણની નકલ આપવા સાથે વિશ્વના બંધારણોનો તુલનાત્મક અભ્યાસ દર્શાવતું પુસ્તક ભેટમાં આપ્યું હતું.

અલવિદા ભારત રત્ન પ્રણવકુમાર કામદા કિનકર મુખરજી.