મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઘણા નેતાઓના કોરોના સંક્રમિત થવાની માહિતીઓ આવી રહી છે તેના વચ્ચે હવે ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમણે પોતે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મુકી છે. ઉલ્લેખનીય છે કે તેમની ઉંમર 83 વર્ષની છે. તેમને કોરોના જેવી બિમારી સામે હવે લડત આપવાની છે જેને કારણે તેમના શુભચિંતકો દ્વારા તેમના સારા સ્વાસ્થ્યની પ્રાથનાઓ કરવામાં આવી રહી છે. કોવીડ 19 ટેસ્ટ કરાવ્યા પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેમણે પણ પોતાના સંપર્કમાં આવેલાઓને કોવીડ 19 ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરી છે. તેમણે લખ્યું છે કે, કોઈ બિજી પ્રોસિજર માટે મારે હોસ્પિટલમાં જવાનું થયું તેના પગલે આજે મને ખબર પડી છે કે હું કોરોના પોઝિટિવ છું. હું છેલ્લા અઠવાડિયામાં સંપર્કમાં આવેલા કેટલાક લોકોને આગ્રહ કરું છું કે ખુદને આઈસોલેટ કરી લે અને પોતાના કોવિડ 19 ટેસ્ટ કરાવી લે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગૃહમંત્રી અમિત શાહ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જળ સંસાધન મંત્રી અર્જુન મેઘવાલ પણ કોરોના સંક્રમિત હોવાનું જાહેર કરાયું હતું. તેમની સારવાર હાલ ચાલી રહી છે.

આપને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સહિત ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. ઘણા કાર્યકર્તાઓ પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોના પોઝિટિવ થયા બાદ ઘણા નેતાઓએ ખુદને સેલ્ફ ક્વોરંટાઈન પણ કરી લીધા છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોના સંક્રમિત હતા, બે ત્રણ અઠવાડિયાની સારવાર બાદ તે કોરોના નેગેટિવ થયા છે. હવે તેમને ગત અઠવાડિયે જ ડિસ્ચાર્જ મળ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા અને તેમની દીકરી પણ કોરના સંક્રમિત હતા. ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમ પણ કોરોના સંક્રમિત હતા. મધ્ય પ્રદેશના ચિકિત્સા શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગ પણ રવિવારે કોવિડ સંક્રમિત હોવાની જાણકારીઓ સામે આવી હતી તેમણે રવિવારે તેની જાણકારી આપી હતી.