મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારંભમાં દેશના સર્વોચ્ચ નાગરિકનું સન્માન એટલે કે ભારત રત્નથી સન્માનિત કરાયા છે. તેમના ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા અને જાણિતા સમાજસેવી રહેલા નાનાજી દેશમુખ અને આસામના નામી ગાયક ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરાયા છે. નાનાજી દેશમુખની તરફથી દીનદયાળ ઉપાધ્યાય રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન વીરેન્દ્રજીત સિંહ અને ભૂપેન હજારીકા તરફથી તેમના દિકરા તેજ હજારિકાએ ભારત રત્ન સ્વિકાર્યો હતો.

આ જ વર્ષે જાન્યુઆરીમાં આ ત્રણ હસ્તિઓને ભારત રત્ન આપવાનું એલાન થયું હતું. સમારંભમાં પ્રધાનમંત્રી મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને મોદી સરકારના તમામ મોટા મંત્રીઓ શામેલ થયા હતા. ભારત રત્ન તરીકે સન્માનિત થનાર હસ્તિઓને એક તામ્ર પદક આપવામાં આવે છે. પીપળાના પત્તાના આકારના તામ્ર પત્ર પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનેલો હોય છે. જેના નીચે ચાંદીથી ભારત રત્ન લખેલું હોય છે.

83 વર્ષના પ્રણવ મુખર્જી આ સન્માન મેળવનાર પાચમા એવા વ્યક્તિ છે જે દેશના રાષટ્રપતિ પણ રહી ચુક્યા છે. તે પહેલા ડો. એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર પ્રસાદ, જાકિર હુસૈન અને વીવી ગિરી પણ ભારત રત્નથી સન્માનિત થઈ ચુક્યા છે.

પ્રણવ મુખર્જીની રાજકીય સફર ઉપલબ્ધીઓથી ભરેલી છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા પ્રણવ મુખર્જી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહ્યા અને યુપીએ સરકાર દરમિયાન બે મહત્વના પદો પર પણ કામ કર્યું હતું. પશ્ચિમ બંગાળના વીરભૂમમાં જન્મેલા પ્રણવએ સક્રિય રાજનીતિક કારકિર્દીની શરૂઆત 1969માં તેમના રાજ્યસભા ઈલેક્શન સાથે થઈ હતી. તે બાદ અલગ અલગ કોંગ્રેસ સરકારોમાં તેમને નાણાં, રક્ષા, વિદેશ જેવા મહત્વના મંત્રાલયોનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની છબી એક નિર્વિવાદીત નેતાની રહી છે.