મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ નેતાઓ ઉપર ચૂંટણી વખતે હોર્સ ટ્રેડિંગના અવારનવાર આક્ષેપો થતાં હોય છે જોકે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે કોઈ નેતાનું તો ઠીક જનતાનાય પેટનું પાણી નથી હલતું. જનતાએ પણ જાણે આ સ્થિતિનો સ્વિકાર કરી લીધો છે કે ચૂંટણીમાં તો થાય. જેને પગલે નેતાઓ પણ હવે જાણે જાહેરમાં જ સોદેબાજીમાં લાગી ગયા હોય તેવી સ્થિતિ સામે આવી ગઈ છે.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે આજે વિધાનસભામાં જ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપ પક્ષમાં જોડાવાની ખુલ્લી ઓફર આપી દીધી હતી. તેમણે આજે વિધાનસભામાં વાક્ય ઉચ્ચાર્યું કે, રાજ્યસભાની ચૂંટણી આવે જ છે, તમારે આવવું હોય તો આવી શકો છો.

ગુજરાતની જનતા માટે હાલત ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પણ આવી રહી છે. હાલમાં જ વિધાનસભાની ચૂંટણી વખતે ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપ તરફ વળ્યા, તો ઘણા ભાજપીય સભ્યોએ કોંગ્રેસમાં પણ ભળવાનો નિર્ણય કર્યો હતો. વિચારધારાતો એક બાજુ રહી જાય છે જ્યારે મતલબની વાત આવે ત્યારે નેતાઓ ગુલાંટ મારતા હોય છે તે વાત પણ જનતા સમક્ષ ક્યારની આવી ચુકી છે.

આજે બન્યું એવું કે ગુજરાત વિધાનસભામાં કામગીરી ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે જેઠાભાઈને કહ્યું કે, કુંવરજી, જવાહરભાઈ મંતરી બનશે તમે નહીં. તેમની આવી ટીપ્પણી પર તુરંત ગૃહમંત્રી પ્રદિપસિંહે જવાબ આપ્યો અને કટાક્ષ કર્યો હતો અને તે જ જવાબમાં તેમણે કોંગ્રેસી નેતાને ભાજપમાં જોડાવાની ઓફર કરી દીધી હતી.

તેમણે ગુલાબસિંહની વાત પર તુરંત કહી દીધું કે, રાજ્યસભાની ચૂંટણી આવે છે, તમારે આવવું હોય તો આવી શકો છો. પ્રદિપસિંહની આ વાતે રાજકારણને ડહોળી દીધું છે. હવે કંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તે અંગે જવાબ આપ્યો કે, રાજ્યસભાની ચૂંટણી સમયે જ ભાજપ તોડજોડ કરી રહી છે, ભાજપ તરફથી ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો થાય છે, પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસની 2 બેઠક પર જીત થશે. તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.