પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): અમદાવાદના સોલા વિસ્તારમાં કથિત લઠ્ઠાકાંડની ઘટના પછી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ગાંધીનગરમાં કથિત જનતા રેડ કરી દીધી હતી. ત્રણ યુવા નેતાઓની કથિત જનતા રેડમાં માત્ર બે થેલી દેશી દારૂ મળતા રેડ પાછળના ઈરાદા સ્વંય સ્પષ્ટ હતા. ગુજરાતમાં પણ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ત્રિપુટીને પાઠ ભણાવવા માટે ગાંધીનગર એસપીને આદેશ આપ્યો કે ત્રણે  સામે ગુનો નોંધી દો અને પોલીસે ગુનો નોંધી દીધો. હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશે જનતા રેડ માટે શુ કામ ગાંધીનગર પસંદ કર્યુ તેના પણ કારણો હતો. કદાચ કચ્છના સુઈ ગામમાં જનતા રેડ પાડી દારૂનો મોટો જથ્થો પકડ્યો હોત તો તેમને ગાંધીનગરમાં મળી તેવી પબ્લિસિટી મળતી નહીં. રાજકારણમાં રહેવા માગતી વ્યક્તિ માટે પબ્લિસિટી હવે  અનિવાર્ય બની રહી છે, બહુ ઓછા લોકો તેના પ્રભાવથી બચી શક્યા છે.

હવે વાત પ્રદિપસિંહના ક્રાઇસિસ મેનેજમેન્ટની છે. ગુજરાતમાં દારૂબંધીની સ્થિતિ એવી છે કે સુંઠ ગાગડે વૈધ્ય થવા જેવો આ નુસખો છે. ગુજરાતમાં આવનાર કોઈ પણ નવા આવનાર આઈપીએસ અધિકારીને દારૂ વેચવો બહુ મોટો ગુનો લાગે છે, એટલે તે પોતાની નોકરીના શરૂઆતના એક બે વર્ષ આદુ ખાઈને દારૂ પકડવા દોડાદોડી કરી છે. પછી સમજાય છે કે  દારૂ પકડવામાં કોઈ બહાદુરીનું કામ નથી. ગુજરાતમાં દારૂબંધી છે તેના કારણે દારૂ ના વેચાય તે આદર્શ સ્થિતિ છે, પણ ગુનાની દુનિયામાં દારૂનો ક્રમ સૌથી છેલ્લે આવે છે. જેમને પણ પોલીસ અથવા રાજકારણમાં એકદમ ચમકી જવુ છે તેમણે દારૂનો મુદ્દો ઉછાળવો જોઈએ, રાતો રાત મોટા પોલીસ અધિકારી અને મોટા નેતામાં તમારી ગણના થવા લાગે છે.

પણ દારૂના મુદ્દે મળેલી પ્રસિધ્ધી લાંબી ટકતી નથી, કારણ ગુજરાતમાં જ્યાં સુધી કોઈ દારૂ પીનાર, સામાન્ય કોઈ માણસને પરેશાન કરતો નથી ત્યાં સુધી સામાન્ય માણસને દારૂડીયા સામે કોઈ જ વાંધો નથી.  આ વાંચી કદાચ દંભી લોકોના નાકનું ટેરવુ ચડે તે જુદી બાબત છે.પણ  દારૂ નહીં પીનાર, ટેક્સ ચોરી  કરે  તે સહિતના અને દુનિયાભરના તમામ ખોટા ધંધા કરે પણ દારૂ પીનાર વિશ્વનો સૌથી દ્રુષ્ટ માણસ હોય તેવી રીતે તેઓ વાત કરતા હોય છે. યુવા નેતાની જનતા રેડ ખોટી હતી, તેમની સામે પગલાં લેવા માટે પ્રદિપસિંહે તરત પોલીસને સુચના આપી તરત અમલ કરાવવો હતો.

પણ ગાંધીનગર પોલીસે શુક્રવારની રાતે આ ત્રણ નેતાઓ સામે ગુનો નોંધ્યો અને કોઈ કાર્યવાહી કરી નહીં, જેનો ફાયદો આ નેતાઓએ ઉપાડી લીધો. આખો દિવસ ટીવી પર આ નેતાઓના ઈન્ટરવ્યુ ચાલતા રહ્યા હતા. પ્રદિપસિંહ માની રહ્યા હતા કે પોલીસ ફરિયાદ બાદ આ નેતાઓ દબાણ હેઠળ આવી જશે, પણ માત્ર ફરિયાદ નોંધી પોલીસે નેતાઓને જે સમય આપ્યો તેના કારણે બાજી નેતાઓ તરફ ખસી ગઈ. નેતાઓએ જાહેરાંત કરી કે તે ડીએસપી ઓફિસમાં હાજર થવા  જશે, ત્યારે ડીએસપી ઓફિસ બહાર પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો. જાણે ચંબલના ડાકુ શરણાગતી સ્વીકારી રહ્યા હોય તેવો માહોલ હતો. ડીએસપી સામે નેતાઓ હાજર થયા અને ડીએસપીએ તેમની ધરપકડ કરવાને બદલે કહ્યુ તપાસ કરી તમારી ધરપકડ કરીશુ. તો સવાલ એવો છે કે ફરિયાદ નોંધતા પહેલા ડીએસપીએ તપાસ કર્યા વગર સચિવાલયમાંથી ફોન આવ્યો એટલે ફરિયાદ નોંધી. 

આમ પ્રદિપસિંહની ક્રાઇસિસ મેનેજમેન્ટની નિષ્ફળતાને કારણે બાજી યુવા નેતાઓ તરફ સરકી ગઈ હતી. ડીએસપી ઓફિસ બહાર આવી યુવા નેતાઓએ પણ જબરૂ ત્રાગુ કર્યુ. તેમણે કહ્યુ કે જ્યાં સુધી ડીએસપી તેમની સામે ફરિયાદ કરનાર મહિલાનો ગુનાઈત ઈતિહાસ જાહેર નહીં કરે ત્યાં સુધી તેઓ ધરણા કરશે. આ નેતાઓમાં જીજ્ઞેશ મેવાણી તો પત્રકાર પણ રહ્યા છે અને કાયદાનો વિદ્યાર્થી પણ રહ્યા છે, તેમને તો ખબર હોવી જોઈએ કે દેહ વ્યાપાર કરનાર મહિલાને પણ કાયદો પોતાનો અધિકાર આપે છે. આવી મહિલા ઉપર દુષ્કર્મ કરવાનો અધિકાર મળી જતો નથી, માની લઈ કે ગાંધીનગરની કંચનબહેન સામે ભુતકાળમાં દેશી દારૂનો વેચવાનો કેસો થયા છે તેના કારણે તેના ઘરમાં જઈ કોઈને દારૂની થેલીઓ મુકવાનો અધિકાર મળતો નથી.