પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત અને દેશમાં જે કઈ ચાલી રહ્યું છે, તે બધાને સમજાય છે, પણ દેશના નેતાઓ અને પ્રજા માને છે કે અખબારમાં પ્રસિધ્ધ થતા સમાચાર અને ટેલીવિઝનમાં નજરે પડતી સમસ્યા જ રાજ્યની અને દેશની સમસ્યા છે. દેશના મીડિયાને વિવિધ તબ્બકે વિવિધ રીતે મેનેજ કરી લેતા નેતાઓ માને છે કે મીડિયામાં આવતા સમાચારને રોકી લઈશું એટલે સમસ્યાનો અંત આવશે પણ આ શામૃગનિતી છે, સમસ્યા ત્યાં જ રહેશે જ્યાં સુધી આપણે તેનો, સામનો કરી તેના ઉકેલની દિશામાં કામ કરીશું નહીં, ગુજરાતને બેરોજગારીના મુદ્દે છેલ્લાં કેટલાંક દિવસોથી સંદેશ ન્યૂઝ ટેલીવિઝન (અખબાર નહીં) એક ઝુંબેશ ચલાવે છે તેની કદર કરવા સિવાય કોઈ શબ્દો નથી. લાંબા સમયથી જેમના રિઝલ્ટ અટકેલા રખાયા હતા તે સંદર્ભે આજે પ્રદિપસિંહે પત્રકાર પરિષદ કરીને આગામી 1 ડિસેમ્બરથી પરિણામો આપી દેવાની જાહેરાત કરી છે.

તમારૂ આખબાર કોણ વાંચે છે, તમારી ચેનલ કોણ જુએ છે તેવા ભ્રમમાં રાચતા નેતાઓને પણ મીડિયાની તાકાત ખબર છે. તેમને ખબર છે કે એક સમાચાર તખ્ત બદલી શકે છે, કમસીબી એ છે કે મીડિયાની હાલત સર્કસના સિંહ જેવી થઈ છે. સિંહ માને છે કે રીંગ માસ્ટર તાકાતવર છે. 

ગુજરાત સરકારને કલ્પના ન્હોતી કે નોકરીની સમસ્યા કેટલી વિકરાળ બની છે, બેરોજગારીની સમસ્યા નોકરી માટે વલખા મારતા યુવાન અને તેના માતા પિતા સિવાય કોઈ સમજી શકે તેમ નથી. હંમેશા સરકારે માતા-પિતાની ભૂમિકા નિભાવવાની હોય છે જનતાને સંતાનની જેમ જ કેળવણી આપવાની હોય છે. સંતાનની સમસ્યાઓને સમજીને તેને આગળ વધવા માટે જેમ માતૃત્વ સતત મદદ કરતું રહે છે.

લોકરક્ષક માટે પુસ્તકોના થોંથા વાંચનાર અને મેદાનોમાં કલાકો સુધી દોડનાર યુવકને ખબર છે તે નોકરી માટે તેને કેટલી મહેતન કરવી પડી છે, આટલી મહેનત પછી પેપર ફુટી જાય છે. લાગવગ ધરાવતી વ્યકિતને નોકરી મળી જાય છે. આ વેદના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને સમજાશે નહીં કારણ તેમના દિકરાને નોકરી માટે વલખા મારવા પડયા નથી. પ્રદિપસિંહ આ ઘટના માટે કોંગ્રેસ ઉપર દોષારોપણ કરે પણ તે ભૂલી જાય છે કે કોંગ્રેસ નક્કામી અને નાલાયક હતી માટે ગુજરાતની જનતાએ તેમને 1990થી જાકારો આપ્યો 1995થી ભાજપનું શાસન છે હવે તો કોંગ્રેસને ગાળો આપવાને બદલે તમે શું કર્યું તેની વાત કરવી જોઈએ, પણ આ વેદના એક પિતાને સમજાય રાજકારણીને નહીં અને તેવા રાજકારણીએ જેમણે પોતાના સ્વાર્થ માટે કેશુભાઈ પટેલ જેવા નેતાઓનો સાથ છોડયો તેમને કેવી રીતે સમજાશે?