જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ)

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠક માટે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એકબીજાને પછાડવા માટે તલપાપડ થયા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ટીકીટ મેળવનાર માટે થઈ રહ્યો છે. આવો જ કંઈક તાલ કચ્છની અબડાસા બેઠક ઉપરથી ભાજપ માટે ચૂંટણી લડી રહેલા પ્રદ્યુમનસિંહ જાડેજા માટે જોવા મળી રહ્યો છે. જેમાં તેમનો એક જૂનો વિડિઓ બહાર આવ્યો છે. આ વિડીઓમાં તેઓ જયારે કોંગ્રેસમાં હતા અને પક્ષ પલટુઓ માટે બોલ્યા હતા તે સમયનો છે. હવે તેમનું જ બોલેલું તેમનાં પગમાં આવી રહ્યું છે. વિડીઓમાં જાડેજા    પક્ષ પલટુઓને કચ્છી બોલીમાં ઝાટકણી કાઢતા નજરે પડી રહ્યા છે. 

અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયારે કોંગ્રેસનો દામન છોડીને ભાજપમાં ગયા અને તેમની સામે કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા ત્યારે એક સભામાં તેઓ પક્ષ પલટુઓ માટે બોલ્યા હતા. વિડીઓમાં તેઓ કચ્છી બોલીમાં એમ બોલતા દેખાય છે કે, "જે આપણામાંથી સામે ગયા એ વેચાઈ ગયેલી વ્યક્તિ છે. પબ્લિક એમને ચૂંટશે નહીં. અને આવા લોકોને કોઈ શરમ પણ નથી. લોકોએ એક એક મત આપીને તમને ચૂંટયા હોય અને પોતાના સ્વાર્થ માટે પક્ષ છોડવો કેટલો યોગ્ય છે..!'

પક્ષ પલટુઓ માટે કરેલી આ આકરી ટીકા હવે જાડેજાને નડશે તેમ ખુદ ભાજપના લોકો માની રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો પી.એમ.જાડેજાને પૂછશે પણ ખરા કે, એવો તે કયો સ્વાર્થ હતો કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવું પડ્યું. જે હોય તે, પરંતુ એક વાત નક્કી છે કે, કોંગ્રેસને છોડી ભાજપનું ઘર માંડવાવાળા નેતાઓને લોકો પાઠ ભણાવશે એ નક્કી છે.