મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ પોર્ન ફિલ્મ કેસમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને આખરે જામીન મળી ગયા છે. ધરપકડના અંદાજે બે મહિના પછી મુંબઈની કોર્ટે રાજને જામીન આપી છોડી દીધો છે. તેને 50 હજાર રૂપિયા જમા કરાવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. ગત ગુરુવારે મુંબઈ પલીસે આ મામલામાં 1400 પેજની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. રાજે શનિવારે જામીનનો આગ્રહ કરતાં કહ્યું હતું કે કેસમાં તેને બલીનો બકરો બનાવાયો છે અને ચાર્જશીટમાં આ વાતના કોઈ પુરાવા નથી કે તે સતત પોર્ન કંટેટ તૈયાર કરવામાં શામેલ હતા.

રાજની આ વર્ષે 19 જુલાઈએ તેના કેટલાક કર્મચારીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઇલ એપ પર સ્ટ્રીમ કરવાનો આરોપ છે. આ કેસ કેટલીક મોબાઈલ એપ પર પોર્નોગ્રાફિક ક્લિપના ઉત્પાદન અને વિતરણ સાથે સંબંધિત છે.મુંબઈ પોલીસનું માનવું છે કે રાજ પોર્ન ફિલ્મ નિર્માણમાં સક્રિયપણે સામેલ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની સામે મજબૂત ઈલેક્ટ્રોનિક પુરાવા હોવાનો દાવો પણ કર્યો હતો. મુંબઈ પોલીસનું કહેવું છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પોર્ન ફિલ્મોના નિર્માણ અને તેમની ઓનલાઈન રિલીઝથી ઓછામાં ઓછા રૂ .1.25 કરોડની કમાણી કરી હતી.

1400 પાનાની ચાર્જશીટ મુજબ રાજની પત્ની શિલ્પાએ પોલીસને જણાવ્યું છે કે તે રાજની પ્રવૃત્તિઓથી વાકેફ નહોતી કારણ કે તે પોતાના કામમાં વ્યસ્ત હતી. ચાર્જશીટ મુજબ શિલ્પાએ કહ્યું કે, 'હું મારા કામમાં વ્યસ્ત હતી અને રાજ કુન્દ્રા શું કરી રહી છે તેનો મને ખ્યાલ નહોતો.' એટલું જ નહીં, શિલ્પાએ પોલીસને એમ પણ કહ્યું છે કે તે વિવાદાસ્પદ એપ્સ 'હોટશોટ્સ' અથવા 'બોલીફેમ' વિશે જાણકારી ન્હોતી, આ બંને એપ પોર્ન રેકેટ સાથે જોડાયેલી છે.