મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ પોરબંદરના માધવપુરમાં આજે વ્હેલી સવારે એક સિંહ ચઢી આવ્યો હતો. જેને પગલે નાશભાગ મચી ગઈ હતી અને  આ સિહે બે વ્યકિત ઉપર હુમલો કરતા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. માધવપુરમાં દીપડો આવ્યાની ઘટના અવારનવાર બને છે પરંતુ સિંહ આવ્યો હોવાની ઘટના પ્રથમ વખત બની છે.

માધવપુરના જંગલ વિસ્તારમાં આજે વ્હેલી સવારે મધુવન જંગલ વિસ્તારમાં સિંહ ચઢી આવતા લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા. જંગલ વિસ્તારમાંથી પસાર થતાં એક આઘેડ ઉપર હુમલો કર્યો હતો અને તેમને તત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ અને વનવિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. એ જ દરમ્યાન વધુ એક યુવાન ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ રીતે બે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. મધુવન જંગલમાં સિંહ આટાફેરો કરી રહ્યો છે તેવી વાત હાલ લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકોના ટોળા વચ્ચેથી સિંહ પસાર થઈ રહ્યો હોવાનો વીડિયો વાયરલ  થયો છે. સિંહને ઝડપી લેવા માટે વન વિભાગે જુનાગઢની ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.