મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ રાજસ્થાનમાં રાજકીય રણશિગૂ ફૂંકાયું ત્યારથી જ લોકો માટે આ એક ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે લોકો ચર્ચા સિવાય આ જંગમાં ખાસ કાંઈ કરી શકવાના નથી. ખેર વાત કરીએ ભાજપના એ ધારાસભ્યની કે જેઓએ ગુજરાતમાં પોરબંદર પર આવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના ડઝન ધારાસભ્યો ગુજરાત આવી ગયા છે. તેમાંથી છ ધારાસભ્યો શનિવારે ચાર્ટર પ્લેનથી પોરબંદર પહોંચી ગયા છે. પોરબંદર આવેલા નિર્મલ કુમાવતે મીડિયા સાથે વાતચિત કરી હતી. કહ્યું કે, રાજસ્થાનમાં ઘણી રાજકીય ગતિવિધિઓ થઈ રહી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે મુખ્યમંત્રી ગહેલોત પાસે બહુમત નથી.

રાજસ્થાનથી ગુજરાત આવેલા ભાજપના ધારાસભ્ય કુમાવતે એવું પણ કહ્યું કે, ત્યાં ભાજપના ધારાસભ્યોને માનસિક રીતે હેરાન કરાઈ રહ્યા છે. આ સમયે અમારા છ ધારાસભ્યો સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે. રાજસ્થાનના ધારાસભ્ય નિર્મલ કુમાવતે પોરબંદર એરપોર્ટ પાસે મીડિયાને કહ્યું કે, તેમની સાથે બીજા પણ ધારાસભ્યો જોડાશે. કોંગ્રેસ અમને તેમના પક્ષમાં મતદાન કરવા માટે દબાણ કરી રહી છે તેથી અમે બધા અહીંયા બે દિવસ રોકાઈશું.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાર્ટર પ્લેનમાં રાજસ્થાનથી ગુજરાત આવેલા ધારાસભ્યોમાં કુમાવત, ગોપીચંદ મીણા, જબ્બાર સિંહ સાંખલા, ધર્મેન્દ્ર મોચી અને ગુરદીપ શાહપીનીનો સમાવેશ થાય છે. ભાજપના સૂત્રોના કહ્યા અનુસાર ગુજરાતમાં આ ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શન કરશે અને એક રિસોર્ટમાં રોકાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિષ પૂનિયાનું કહેવું છે કે તમામ ધારાસભ્યોને જાણકારી છે કે જલ્દી જ ધારાસભ્ય દળની બેઠક થવાની છે અને બધા જ તેમાં શામેલ થવાના છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં સરકારની ખુરશીની ખેંચતાણ ચાલી રહી છે. તેવા સમયમાં ભાજપના ધારાસભ્યોને ગુજરાતમાં રોકાવવા મોકલવા જેને લઈને રિસોર્ટ રાજકારણની ચર્ચાઓ જાગી રહી છે. પૂનિયાએ કહ્યું કે, ભાજપના 12 લોકો કે પછી કેટલાક લોકો ફરવા જતા રહ્યા છે તો તે કેટલો મોટો મુદ્દો બની ગયો છે? કોંગ્રેસના હાલની સરકારના લોકો સોશિયલ મીડિયા અને અન્ય મંચો પર અફવાઓ અને ભ્રમ ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ અમારા ધારાસભ્યોનું દળ સંગઠિત છે.