મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ ગાંધીની જન્મભૂમિ પોરબંદર એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું કે પોરબંદર ગુજરાતનો હિસ્સો હોવા છતાં સ્થાનિક ગુંડાઓએ ત્યાં પોતાનું અલગ સામ્રાજ્ય ઊભું કરી સમાંતર સરકાર ચલાવવાની શરૂઆત કરી હતી. આ સ્થિતિને નેસ્તનાબૂત કરવા કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારે એસપી તરીકે સતિષ વર્માને પોરબંદર મુકવામાં આવ્યા હતા. બે વર્ષમાં સતિષ વર્માએ સુશાસન કોને કહેવાય તેનો અહેસાસ પોરબંદરની જનતાને કરાવ્યો હતો. જ્યારે સતિષ વર્માની બદલી થઈ ત્યારે તેઓ એટલા લોકપ્રિય થઈ ગયા હતા કે, તેમની બદલી રોકવા માટે હજારો લોકો પોરબંદરના રસ્તાઓ ઉપર સુઈ ગયા હતા. હવે આવી સ્થિતિ અમરેલી જિલ્લામાં નિર્માણ થઈ છે.

અમરેલીની ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સરખી કરવા માટે બે વર્ષ અગાઉ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને અમરેલી એસપી તરીકે મુકવામાં આવ્યા હતા. નિર્લિપ્ત રાયના આવ્યા પછી, પોતાને ડોન સમજતા અનેક ગુંડાઓ અમરેલી છોડીને ભાગી ગયા અથવા જેલના સળીયા ગણતા થઈ ગયા. વર્ષો પછી અમરેલીની પ્રજાએ કાયદાનું શાસન કોને કહેવાય તે જોયું છે. જોકે રાજકીય રીતે બેકારીનો સામનો કરી રહેલા કેટલાક નેતાઓ પોતાની દુકાન ચલાવવા માટે મેદાનમાં આવ્યા અને એસપી નિર્લિપ્ત રાય ચોક્કસ જ્ઞાતિના લોકોને જ કાયદાની ચૂંગાલમાં ફસાવે છે તેવા આરોપ સાથે તેમણે પોતાની કોમને ભડકાવાનું શરૂ કર્યું છે.


 

 

 

 

 

ગુંડાઓને કોઈ ધર્મ કે જ્ઞાતિ હોતી નથી, આટલી સાદી સમજ નહીં હોવાને કારણે અમદાવાદના લતિફને પણ મુસ્લિમ યુવાનો કોમનો નેતા માનવા લાગ્યા હતા. આવી જ ભૂલ અમરેલીના યુવાનો કરી રહ્યા છે. ગુજરાતના ગુંડા વિરોધી કાયદો ગુજસીટોક હેઠળ પકડાયેલા આરોપીઓ કેમ એક જ જ્ઞાતિના છે તેવો પ્રશ્ન ઉપસ્થિત કરી અમરેલીમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનકારીઓ જે ભાષાનો પ્રયોગ કરે છે તેવી ભાષાનો પ્રયોગ કોઈ પોતાના ઘરમાં પણ ન કરી શકે તેવા શબ્દ પ્રયોગો જાહેર ભાષણોમાં થાય છે. જોકે તમાચાને તેડૂ ન હોય તેમ આવી સભાઓમાં હજારો લોકો આવે છે. આ નેતાઓની માગણી છે કે, અમરેલી એસપી દ્વારા લગાવામાં આવેલો ગુજસીટોક પાછો ખેંચાય અને અમરેલી એસપીની બદલી કરવામાં આવે.

અમરેલીની સામાન્ય પ્રજાને રાજકારણ અને જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા નથી. તેમને મન અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જે કામ કર્યું તે ચમત્કાર સમાન છે. આમ અમરેલીનો એક મોટો વર્ગ અમે એસપી નિર્લિપ્ત રાય સાથે છીએ તેવા એક સોશિલય મીડિયા કેમ્પેઈનની શરૂઆત કરી છે. આમ એક મોટો વર્ગ પોતાના કેમ્પેઈન દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે નિર્લિપ્ત રાયની બદલી કોઈ દબાણ હેઠળ કરવામાં આવે નહીં.