પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સત્તા અને સંપત્તિ આવે પછી માણસ પ્રમાણભાન ભૂલે છે તે માને છે કે તેની સત્તા અને સંપત્તિ આજીવન રહેવાની છે કદાચ તે આજીવન પણ રહે પણ તેણે સત્તા અને સંપત્તિના જોરે જે કાંઈ ખોટું કર્યું છે તે કર્મની સાયકલ તેને આ જન્મમાં જ પુરી કરવી પડે છે. આવું જ કાંઈક પોપ્યુલર કન્સટ્રક્શનના માલિક રમણ પટેલ સાથે થઈ રહ્યું છે.

પોપ્યુલર કન્સ્ટ્રક્શનના માલિક રમણ પટેલ અને તેમનો પુત્ર મૌનાંગ પટેલ સહિત તેમના પરિવાર સામે નોંધાયેલી ફરિયાદ બાદ હવે તેઓ નાસતા ફરી રહ્યા છે. મૌનાંગની પત્ની ફીઝુ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં સત્ય અને અસત્યની ભેળસેળ કેટલી છે તેની પોલીસને પણ ખબર છે પરંતુ નિયમોને આધીન પોલીસને ફીઝુ પટેલ સાથે જ રહેવું પડે છે. 

2010માં સૌહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ જ્યારે દાખલ થઈ ત્યારે ગુજરાતના એક પૂર્વ આઈપીએસ અધિકારીના ઈશારે રમણ અને દશરથ પટેલે સૌહરાબુદ્દીન કેસમાં એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમાને કારણ વગર આરોપી બનાવી દીધા હતા. ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી જેમને અમિત શાહ સામે રાજકીય વાંધો હતો તેમણે અમિત શાહને ફસાવવા કારસો રચ્યો ત્યાં સુધી તો ઠીક પણ અમિત શાહની નજીક ગણાતા અજય પટેલ અને યશપાલ ચુડાસમાને પણ ફસાવી દેવાની યોજના બનાવી હતી.

આ યોજનાના ભાગ રૂપે તેમણે રમણ અને તેના ભાઈ દશરથ પટેલને તૈયાર કર્યા હતા. રમણ અને દશરથ પટેલ એડીસી બેન્કના ડીફોલ્ટર હતા અને તેમણ ચેરમેન અજય પટેલ સામે અનેક વખત માંડવાળીની યોજના મુકી હતી. તે મુદ્દે અજય પટેલ સંમત ન્હોતા. આમ એક કાંકરે બે પક્ષી મરતા હોવાને કારણે પૂર્વ આઈપીએસ અધિકારીની યોજનામાં રમણ અને દશરથ શામેલ થઈ ગયા.

સીબીઆઈ અને પૂર્વ આઈપીએસની યોજના પ્રમાણે રમણ અને દશરથ ગુપ્ત કેમેરા લગાવી અજય પટેલ પાસે પહોંચ્યા હતા અને તેમણે ટ્રીક પ્રમાણે અજય પટેલને વિનંતિ કરી હતી કે સૌહરાબુદ્દીન કેસમાં સીબીઆઈ તેમને નિવેદન નોંધવા બોલાવી રહી છે માટે તમે અમને મદદ કરો. જોકે 2006માં થયેલા એન્કાઉન્ટરની ઘટના સાથે અજય પટેલને સ્નાન સૂતકનો સબંધ ન્હોતો એટલે અજય પટલે પહેલા તબક્કે તો સમગ્ર પ્રકરણથી પોતાને દૂર રાખવા જણાવ્યું હતું.

જોકે રમણ અને દશરથ પટેલે સ્ક્રીપ્ટ પ્રમાણે વિનંતિ કરી કે જો આઈપીએસ અભય ચુડાસમા સાથે અમારી મુલાકાત થઈ જાય તો રસ્તો નિકળી શકે તેમ છે. ત્યારે અજય પટેલે જણાવ્યું હતું કે, અભય ચુડાસમા સાથે તેમનો સીધો સંપર્ક નથી પણ બેન્કા ડિરેક્ટર યશપાલ ચુડાસમા અને અભય ચુડાસમા નજીકના મિત્રો હોવાને કારણે તે પ્રયત્ન કરી જોશે.

ત્યાર બાદ અજય પટેલની વિનંતિને કારણે યશપાલ ચુડાસમાએ અભય ચુડાસમાને બોલાવ્યા અને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી રાયફલ ક્લબમાં એક મિટિંગ યોજાઈ, આ મિટિંગમાં પણ રમણ અને દશરથ ગુપ્ત કેમેરા લગાવીને ગયા હતા. સીબીઆઈએ આ વીડિયોના આધારે, અજય પટેલ, યશપાલ ચુડાસમા અને ડીસીપી અભય ચુડાસમા સામે સાક્ષીઓને તોડવાનો અને પુરાવાના નાશ કરવાનો પ્રયત્ન કરવાનો ગુનો નોંધી આરોપી બનાવી દીધા હતા. અભય ચુડાસમા પોલીસ અધિકારી હોવાને કારણે તેમના તાર આ કેસ સાથે જોડાયેલા હોવાની સંભાવનાઓ હતી, પરંતુ અજય પટેલ અને યશપાલ ચુડાસમાને આ કેસ સાથે દૂર દૂર સુધી કોઈ નિસ્બત ન્હોતી, પણ અમિત શાહની નજીક હોવાને કારણે તેમને કિંમત ચુકવવાનો સમય આવ્યો હતો.

આ કેસમાં અજય પટેલ અને યશપાલ ચુડાસમાને મહિનાઓ સુધી ભાગતા રહેવું પડ્યું હતું. જોકે બાદમાં કોર્ટે તેમને આરોપીના નામમાંથી કમી કર્યા હતા. હવે કુદરતનું ચક્ર એવું જ ફર્યું. રમણ પટેલે જે રીતે બીજાને ફસાવવા ઝાળ ગુંથી હતી, તેવી જ ઝાળ હવે ફીઝુ પટેલે ગુંથી છે. મૌનાંગ અને ફીઝુ વચ્ચે અણબનાવ શક્ય છે પરંતુ ફીઝુએ પોતાના સસરા રમણ પટેલ સામે ચારિત્રના જે આક્ષેપો કર્યા છે તેમાં તથ્ય હોવાની સંભાવના ખુબ જ ઓછી છે આમ છતાં આજે રમણ પટેલે પોતાને પાક સાફ સાબિત કરવા માટે ભાગતા ફરવું પડે છે.