રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): વંથલી તાલુકાના કણજડી ગામમાં ખેતમજૂર પરિવારમાં માતાપિતા, મોટી બહેન અને બે નાના ભાઈ હતા. ભરત રામાભાઈ પરમારનો બીજો નંબર હતો. તે ભણવામાં નબળો હતો. 10 મા ધોરણમાં 55% ગુણ અને બી.એ.માં સેકન્ડ ક્લાસ હતો. સરકારી નોકરી મેળવવાની તમન્ના હતી એટલે જય કેરિઅર એકેડેમીના ચિંતન વૈષ્ણવનો સંપર્ક કરે છે. રેવન્યૂ તલાટીની બેચમાં એને એડમિશન લેવું હતું, પરંતુ કોર્સ ફીના રુપિયા 1500 તેની પાસે ન હતા. આ ફીના ત્રણ હપ્તા કરી આપ્યા. કુલ 36 સ્પર્ધકો તૈયારી કરતા હતા; પરિણામ આવ્યું ત્યારે ભરત સહિત 24 સ્પર્ધકો પાસ થયા ! ભરત પરમારે ધોરણ 1 થી કોલેજ સુધીનું શિક્ષણ સરકારી શાળા, કોલેજમાં લીધું હતું. મોંઘી સ્કૂલ, ખાનગી કોલેજમાં ભણીને એન્જિનીયર થયેલાં પણ જે પરીક્ષા પાસ નથી કરી શકતા તે પરીક્ષા ભરતે પ્રથમ પ્રયત્ને પાસ કરી હતી ! ભરત કહે છે : ‘ઊંચું લક્ષ્ય રાખો, તેને પામવા સખત મહેનત કરો. ધીરજ રાખો. ગરીબ તરીકે જન્મ લેવો તે અકસ્માત છે; પણ ગરીબ તરીકે મરવું તે આપણી નબળાઈ છે !’

અજીતશા સૈયદ જૂનાગઢની સમાજ સુરક્ષા કચેરીમાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા. તેમના પત્ની ઝરીનાબહેન સરકારી શાળામાં શિક્ષિકા હતા. બે બાળકો હતા. બન્નેને સારું શિક્ષણ આપવાનો ધ્યેય હતો. તેમના પુત્ર વસિમશાને સેન્ટ મેરી સ્કૂલ, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવ્યો. SSC માં તેણે 72% મેળવ્યા, પણ HSC માં નપાસ થયો ! ટ્યૂશનની હજારો રુપિયાની ફી નકામી ગઈ એવું તેને લાગ્યું. વસિમશાને આપઘાત કરવાના વિચારો આવ્યા. પિતા અજીતશાએ કહ્યું : ‘બેટા, આ ક્ષણિક નિષ્ફળતા છે. 12 માં ધોરણમાં નપાસ થવાથી તું જિંદગી નથી હારી ગયો. તું એક વરસ મોડો જનમ્યો હતો, એમ માની લે. ફરી મહેનત કર. આવતા વર્ષે પાસ થઈ જજે; મને તારા પર પૂરો ભરોસો છે !’ પિતાના આ શબ્દોના કારણે વસિમશા નબળા વિચારોમાંથી બહાર નીકળી ગયો. તેણે સાયન્સને બદલે કોમર્સ પ્રવાહ લઈને 12 મું પાસ કર્યું. સેકન્ડ ક્લાસ સાથે સ્નાતક થયો અને MSW પણ કર્યું. નોકરી માટે પ્રયત્નો શરુ કર્યા. 17 જગ્યાએ ઈન્ટરવ્યૂ આપ્યા છતાં નોકરી ન મળી ! સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરુ કરી.

8 વખત લેખિત પરીક્ષામાં સફળતા મળી પણ દરેક વખતે ઇન્ટરવ્યૂમાં નપાસ થયો. દરમિયાન તેના લગ્ન થયા અને એક પુત્રનો બાપ બની ગયો. એક દિવસ વસિમશા પિતાને ટિફિન આપવા તેની ઓફિસે જાય છે, ત્યારે અજીતશાના મિત્રો તેને મજાકમાં કહે છે કે ‘આવડો મોટો થયો તમારો દિકરો; એક દિકરાનો બાપ બની ગયો; છતાં હજુ આંટા મારે છે ! પટ્ટાવાળાના છોકરા ક્યારેય અધિકારી ન બની શકે !’ આ શબ્દો વસિમશાના દિલ, દિમાગમાં ઘૂસી ગયા. દર વખતે સારીસારી વાતોથી મોટિવેટ થવાતું નથી; ક્યારેક કડવા શબ્દો પણ દિલ ઉપર મોટો ઘા કરી જાય છે; બર્નિંગ ડીઝાયર ઊભી થઈ જાય તો સફળતા કદમ ચૂમતી આવે છે ! વસિમશા GPSC ક્લાસ-1/2 માટે કમર કસે છે. દરમિયાન તે રેવન્યૂ તલાટી તરીકે પાસ થાય છે; આ પ્રથમ સફળતા હતી; તેના કારણે તેનો આત્મવિશ્વાસ દ્રઢ બને છે. આખરે તે ક્લાસ-2 ગેઝેટેડ ઓફિસર તરીકે પાસ થાય છે અને અમરેલી જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી તરીકે નિમણૂંક થાય છે ! વસિમશા કહે છે : ‘જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાનો કોઈ શોર્ટકટ નથી હોતો. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જીવનમાં ગમે તેટલી નિષ્ફળતાઓ આવે પરંતુ જો સફળતા મેળવવાના પ્રયત્નો સતત શરુ રાખવામાં આવે તો અંતે સફળતા ચોક્કસ મળે જ છે !’

મુકેશ ગોવિંદભાઈ વારસુર માણાવદર તાલુકાના થાનિયાણા ગામનો. મુકેશથી મોટી બે બહેનો અને બે નાની બહેનો હતી. ખેતમજૂરી કરે. સરકારી શાળામાં શિક્ષણ લીધું. ધોરણ 10 માં મુકેશ નપાસ થયો. મુકેશ પથ્થર/બેલા ઉપાડવાની મજૂરી કરતો. એક દિવસ તેના પિતાએ મકાન માલિકને કહ્યું : ‘મુકેશ નપાસ થયો, કંઈ વાંધો નહીં. અમારે તો મજૂરી કરવાની કે નાનો ધંધો ! વગર રુપિયે નોકરી પણ કોણ આપે?’ આ સાંભળીને મુકેશે નક્કી કર્યું કે હવે તો ભણવું જ છે અને નોકરી મેળવવી જ છે ! 10 મું ધોરણ 40% એ અને 12 મું ધોરણ 60% એ પાસ કર્યું. સેકન્ડ ક્લાસ સાથે બી.એ. થયો. પછી MSW કર્યું. એક દિવસ જય કેરિઅર એકેડેમીમાં ફ્રી માર્ગદર્શન સેમિનારમાં મુકેશ જઈ ચડ્યો. ત્યાં ચિંતન વૈષ્ણવના શબ્દો તેના હ્રદયમાં ઊતરી ગયા : ‘સરકારી નોકરી મળે છે તમારા દમ ઉપર. સરકારી નોકરી મળે છે તમારી ધગશ ઉપર. સરકારી નોકરી મળે છે તમારા આત્મવિશ્વાસ ઉપર. સરકારી નોકરી મળે છે, લક્ષ્યવેધ કરવાના તમારા ગાંડપણ ઉપર !’ મુકેશને 3500ની કોર્સ ફી હપ્તે હપ્તે ભરવાની છૂટ મળી. મુકેશ કલાસમાં જે ભણતો તે ઘેર આવી નાની બહેનોને શીખવતો. મુકેશ PSIની લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયો અને મૌખિક ઈન્ટરવ્યૂ વેળાએ ડેન્ગ્યુ થઈ ગયો તેથી સફળતા થોડી દૂર રહી. મુકેશે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પણ સફળતા દૂર રહેતી હતી. તે ભાંગી પડ્યો. પરંતુ ચિંતન વૈષ્ણવના શબ્દો એની નિરાશા દૂર કરી દેતા હતા : ‘તમે કરી શકો તેમ છો. ઊભા થાવ. બમણી મહેનત કરો. લગાવો જોર !’ મુકેશે બમણી મહેનત કરી. પરિણામ મળ્યું; મુકેશ અને તેની બહેન મિતલ બન્ને પોલીસ કોન્સ્ટેબલ તરીકે પાસ થઈ ગયા ! મુકેશના ગામમાં લગ્ન પ્રસંગ જેવો માહોલ થઈ ગયો. ખેતમજૂરના બે બાળકો એક સાથે પોલીસમાં પ્રવેશ્યા હતા. પોલીસમાં બે વર્ષ નોકરી કરી ત્યાં GPSC દ્વારા District Dowry Prohibition and Protection Officerની ભરતી માટે જાહેરખબર બહાર પડી. લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં સફળતા મળી. અગાઉની પરીક્ષાઓ વેળાએ કરેલ તૈયારી અને મોક ઈન્ટરવ્યૂનો અનુભવ કામ લાગ્યો. ચિંતન વૈષ્ણવ કહેતા કે ‘શીખેલું ક્યારેય વ્યર્થ જતું નથી !’ ધોરણ 10 માં એક વખત નપાસ થનાર મુકેશ ક્લાસ-2 ગેઝેટેડ ઓફિસર બની ગયો ! મુકેશ કહે છે : ‘સરકારી નોકરી મેળવવી અશક્ય નથી. દ્રઢ સંકલ્પ અને યોગ્ય માર્ગદર્શનથી બધું જ શક્ય છે ! લક્ષ્ય નક્કી કરો અને તેની પાછળ પડો એટલે રસ્તા આપોઆપ ખૂલતાં જશે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)