મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કુદરતી સૌંદર્યને કારણે રાજ્યમાં મીની કાશ્મીર તરીકે જાણીતા પોળો વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવની કામગીરી શરુ કરતા પહેલા જ વિવાદમાં ફસાઈ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામમાં  સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટનો સમાવેશ કરીને તેનો વિકાસ કરવાની યોજના બનાવાઈ છે. પરંતુ અહી આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે રૂ.૭ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરાયુ છે પરંતુ તેના માટે જે સ્થળની પસંદગી કરવામાં આવી છે તે સ્થળથી અંદાજે પાંચ કિલોમીટર દુર છે. અને રિવરફ્રન્ટમાં જનારી ખેતીલાયક જમીન જતી રહે તો ૫૦ થી વધુ પરિવારો ખેડૂત મટી જાય તેમ છે. તેથી સ્થળ બદલવા માટે ગુરૂવારે ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધોળીવાવ ગામના ખેડૂતના જણાવ્યા અનુસાર, ચીમનભાઈ પટેલ, દલસુખભાઈ પટેલ, મગનભાઈ બરંડા તથા અભાપુરના ગ્રામજનો અને ધારાસભ્ય અશ્વિન કોટવાલના જણાવાયા મુજબ પોળો ફોરેસ્ટની અંદર પ્રવાસનધામના વિકાસ અર્થે હરણાવ નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે અંદાજે રૂ.૭ કરોડથી વધુનો ખર્ચ થવાનો છે પરંતુ તેના માટે સરકારે જે સ્થળની પસંદગી કરી છે તે યોગ્ય નથી કારણ કે, અભાપુર અને ધોળીવાવની સીમમાંથી પસાર થતી હરણાવ નદીમાં અગાઉ જ્યારે પુર આવ્યું હતું ત્યારે ૫૦ થી વધુ ખેડૂતોની ખેતીલાયક જમીન ધોવાઈ ગઈ છે.

નદીની બંને બાજુ અંદાજે એક કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે, પરંતુ હકિકતમાં પોળો ફોરેસ્ટથી અને ખાસ કરીને જોવા લાયક સ્થળ તરીકે ઓળખાતા અવષેશો તથા જૈન મંદિરો નિહાળવા માટે પર્યટકોને પાંચ કિલોમીટર દુર જવુ પડે તેવી સ્થિતી છે. દરમિયાન ખેડૂતો તથા ધારાસભ્યએ કરેલા આક્ષેપ મુજબ જે સ્થળની પસંદગી તંત્ર દ્વારા કરવામાં આવી છે. તે પાછળ અહીં આવેલી બે હોટલને ફાયદો કરાવવાની વાત છે. પરંતુ આ વિસ્તારના ખેડૂતો તેના માટે વિરોધ કરે છે તેમ છતા જો સ્થળની ફેરબદલ અંગે હકારાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધારાસભ્ય તથા બંને ગામના ખેડૂતોએ જરૂર પડે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર કચેરીમાં આવેલા ખેડૂતો તથા ધારાસભ્યએ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સોશ્યલ ડિસ્ટન્સીંગ મુજબ આવેદનપત્ર આપવા માટે ધારાસભ્ય અને ખેડૂતોના પ્રતિનિધિ એવા 5 ખેડૂતો પહોંચ્યા હતા.