કિરણ કપૂરે

ભારતનો નાગરીક ફરી એ જ મોડ પર આવીને ઊભો છે, જ્યાં તેણે તેના પ્રજાસેવકની પસંદગી કરવાની છે. આગામી મહિનામાં ભારતના નાગરીક પોતાના ક્ષેત્રનો સંસદસભ્ય ચૂંટશે અને આ સંસદસભ્યના મતના આધારે વડાપ્રધાન ચૂંટાશે. 'મિશન-2019'થી ગાજતું આવેલું આ સામાન્ય ઇલેક્શન દર વખતની જેમ આ વખતે પણ આમજન માટે ફળદાયી વચનોનાં વણઝાર લઈને આવશે. ભારતીય રાજનીતિનું આ પંકાયેલું શસ્ત્ર છે, જેનાથી આમજન છેલ્લા સાત દાયકાથી ઘાયલ થતો આવ્યો છે!! આ ઉપરાંત, જમાનો બદલાયો તે પ્રમાણે મતદારોને રિઝવવાની નવી ટેકનિક પણ આવી છે અને સાથે પક્ષો પ્રચાર-પ્રસારનું ધરખમ આયોજન પણ કરે છે. આ પૂરી ચૂંટણી કવાયતમાં દેશમાં ઠેરઠેર સભાઓ ગાજવાની છે, અબજો રૂપિયાનો વેપાર થવાનો છે અને થોકબંધ પૈસા વેરાવાનાં છે. તે સિવાય મીડિયા અને સોશિયલ મીડિયા પર પણ જંગ જામવાનો છે. બે મહિના સુધી અવિરત રીતે ચાલનારા આ ચૂંટણીજંગમાં દરેક પક્ષ જીત માટે 'સબ જાયઝ હૈ' ના નિયમને અનુસરશે. આ બધું આયોજન કેવી રીતે પાર પડશે, તેનું સમગ્ર ચિત્ર તો આપવું મુશ્કેલ છે, પણ વર્ચ્યુઅલ વર્લ્ડ પર પક્ષોની હાજરીનું થોડુંક આકલન કરીએ, જે સૌથી અસરકારક સાબિત થવાનું છે. 

2014ના ઇલેક્શનમાં સૌથી વધુ બેઠક મેળવનાર પક્ષ ભાજપ રહ્યો હતો અને આ વખતે પણ કેમ્પેઇન લોન્ચ કરવામાં ભાજપની આગોતરી તૈયારી જણાય છે. છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે 'મૈ ભી ચોકીદાર' લખીને ભાજપી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે, તેનાથી ભાજપ મીડિયામાં છવાઈ જવામાં કામિયાબ રહ્યો છે. સોશિયલ મીડિયામાં 'મૈ ભી ચૌકીદાર' ટ્રેન્ડ થવા લાગ્યું છે. એક સમય પછી ચૌકીદારનું આ કેમ્પેઇન ચાયવાલાની જેમ ભૂલાઈ જવાનું છે, પણ અત્યારે લોકમુખે ચોકીદારની વાત સંભળાય છે. જોકે 'મૈ ભી ચૌકીદાર'ની જે એડ વીડિયો સ્વરૂપે નિર્માણ કરવામાં આવી છે, તેમાં દેશના અલગ-અલગ ભાગમાંથી 'ચોકીદારો' દર્શાવ્યાં છે, પણ ભાજપમાંથી માત્ર એક જ ચોકીદાર તેમાં દૃશ્યમાન થાય છે, અને તે છે નરેન્દ્ર મોદી!! આ પુરી એડમાં ન કોઈ ભાજપના સિનિયર નેતા દેખાય છે, ન તો કોઈ યંગ ભાજપી. બસ, જે કંઈ છે તે સર્વસ્વ નરેન્દ્ર મોદી જ છે.

આપણા દેશની રાજનીતિ વ્યક્તિકેન્દ્રી રહી છે અને આ એડ તે પુરવાર કરે છે. તે ઉપરાંત ભાજપના ફેસબુક પેજ પર પણ જે કેચીલાઈન નજરે પડે છે તે "ફિર એક બાર મોદી સરકાર”ની છે. ભાજપના ટ્વિટર પેજ પર પણ આ જ લાઈન મૂકાઈ છે. હવે તો આ ચોકીદાર બનવાનું માત્ર વર્ચ્યુઅલ જ નથી રહ્યું, બલ્કે 'મૈં ભી ચોકીદાર'નું ટેટુ બનાવી પણ લોકો આ મુહિમમાં સામેલ થઈ રહ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે ચોકીદારના ગીતને કોલર ટ્યુન તરીકે રાખવા ભાજપના ફેસબુક પેજ પર ફોન નંબર શેર કરવામાં આવ્યા છે. ભાજપના ફેસબુક અને ટ્વિટર બંને પેજ પર આ કેમ્પેઇનની ખાસ્સી અસર દેખાય છે અને તેની સાથે લોકો જોડાઈ રહ્યાં છે તેવાં વીડિયો પણ અપલોડ કરવામાં આવી રહ્યા છે.

જોકે એ જાણવું રહ્યું કે 'ચોકીદાર'ના પક્ષની વેબસાઈટ જ થોડા વખત પહેલાં હેક થઈ હતી અને તેનાં પર જઈએ ત્યારે "વી વિલ બેક સુન”નું પાટીયું લાગેલું દેખાતું, જે હવે ફરી કાર્યરત થઈ છે. 

જ્યારે કોંગ્રેસની વેબસાઈટ પર જઈએ ત્યારે તે વેબસાઈટ કોઈ ભારતીય રાજનીતિ પક્ષની કરતાં કોર્પોરેટ કંપનીની વધુ લાગે છે. કોંગ્રેસના ફેસબુક પેજ પર પણ વ્યક્તિવાદ દેખાય છે. અહીંયા પણ "સચ ભારત”ની ટેગલાઈન બાજુમાં રાહુલ ગાંધીની જ તસવીર દેખાય છે. કોંગ્રેસના ફેસબુક પેજ પર મહદંશે રાહુલ ગાંધીના આગામી શિડ્યૂલ અને ભાષણોના વક્તવ્ય મૂકવામાં આવ્યા છે. અહીંયા પણ માત્ર ને માત્ર રાહુલ જ છે!! ફેસબુક પર પાછલી તારીખોમાં જઈએ ત્યારે તેમાં પ્રિયંકા ગાંધીની તસવીર દેખાય છે. યુટ્યૂબના આ બંને પક્ષોના વીડિયો ગેલેરીમાં પણ સૌથી વધુ વીડિયો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના જ છે.

આ તો થયું સોશિયલ મીડિયા પર દેશના સૌથી બે મોટા પક્ષોનો ઓવરવ્યૂ. હવે જ્યારે અન્ય પ્રોદેશિક પક્ષો પર નજર કરીએ તો તેમણે પણ સોશિયલ મીડિયા પર પોતાની યથાશક્તિ મુજબ હાજરી ઊભી કરી છે. આમ આદમી પાર્ટીની વેબસાઈટ એ રીતે સૌથી વધુ આકર્ષક લાગે છે. એક બાજુ પ્રજાલક્ષી કાર્યોની ઝલક દેખાય છે જ્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલનો એક વૃદ્ધા સાથેના મેળાપની તસવીર છે. 'આપ'ની વેબસાઈટનું ફોરમેટ રાજકીય પક્ષને છાજે એવું છે, જ્યાં 'અમારા મિનિસ્ટર્સને મળો', 'ન્યૂઝલેટર્સ', 'વોલ્યૂન્ટર્સ' અને 'ટ્રુથ વ. પ્રોપેગેન્ડા' જેવાં વિભાગો આપવામાં આવ્યા છે. આ વિભાગોમાં પક્ષને લગતી પાયાની માહિતી તો મળી રહે, ઉપરાંત કરેલાં કાર્યોનો એક ઓવરવ્યૂ પણ મળે છે.

“આપ”ના સાઈટના પ્રથમ પેજ પર જ નીચે નેશનલ એક્ઝ્યૂકેટિવ્સની તસવીર અને નામ દેખાય છે. જોકે “આપ”ના ફેસબુક પેજ પર જઈએ ત્યારે ત્યાં પણ મોદી-રાહુલવાળી જ થઈ છે, પોસ્ટર બોય તરીકે અહીંયા અરવિંદ કેજરીવાલ એકલા જ દેખાય છે!! તેમની બાજુમાં જે એક શબ્દ મૂકવામાં આવ્યો છે તે "બિલિવ” છે. “આપ”ની પોસ્ટમાં અરવિંદ કેજરીવાલના ભાષણો કરતાં તેમના કરેલાં કામોનો પ્રચાર વધુ દેખાય છે, જે રાજકીય પક્ષ તરીકે હોવું જોઈએ. “આપ”ના ટ્વિટર એકાઉન્ટ પર પણ અરવિંદ કેજરીવાલ "દિલ્હી માંગે પૂર્ણ રાજ્ય” સાથે એકલા જ દેખા દે છે.

2014ના ઇલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ બાદ જે પાર્ટીએ સૌથી વધુ બેઠકો મેળવી છે, તે દક્ષિણ ભારતની "એઆઈએડિએમકે” છે. આ પાર્ટીની હાજરી તમિલનાડુ, પોન્ડિચેરી અને કર્ણાટકમાં રહી છે. હાલમાં આ પક્ષ તમિલનાડુમાં સત્તામાં છે. જયલલિતાના આકસ્મિક અવસાન બાદ આ પાર્ટીની ધુરા તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કે. પાલાનસ્વીમીએ સ્વીકારી છે. આ પક્ષની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પરથી એવું અભિપ્રેરીત થાય છે કે આ પક્ષ રાજ્ય પૂરતા રહેવામાં ખુશ છે. રાજ્યકક્ષાએ આવો જ એક મજબૂત પક્ષ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ છે.

આ પક્ષ પશ્ચિમ બંગાળમાં હાલમાં સત્તા પર છે અને તેની વેબસાઈટ પર પણ મમતા બનરજીનો જયજયકાર દેખાય છે. જોકે આ તૃણમુલ કોંગ્રેસની સાઈટ પર ટ્રેન્ડિંગ થઈ રહેલાં કેટલાંક મુદ્દાઓ સાઈટ પર ઝળકે છે, જ્યાં "પ્રોમિસ વિ. ડિલિવરી”, “#બિગ ટોક ઓન્લી બીજેપી” અને "જુમલા મીટર" મૂકવામાં આવ્યાં છે. અહીંયા "જુમલા મીટર" પર જઈએ તો વડાપ્રધાન શું ખોટું બોલ્યાં અને સાચું શું છે તે વિગત મીટર સાથે દર્શાવાય છે!! આ પ્રકારની મુહિમ અમેરિકામાં એક અખબારે ટ્રમ્પ વિશે કરી હતી, આ તેનું જ વર્ઝન જણાઈ આવે છે.

2014ના લોકસભામાં અનુક્રમ 18-18 બેઠક મેળવનારાં બીજુ જનતા દળ (બીજેડી) અને શિવસેનાએ પણ અન્ય મોટા પક્ષોની જેમ જ પોતાના વેબસાઈટ પર પક્ષના સર્વેસર્વાને મૂક્યા છે. “બીજેડી”ના વેબસાઈટ પર નવીન પટનાયકનો જ ચહેરો ફ્લેશ થાય છે, જ્યારે શિવસેનામાં બાલા ઠાકરેની મુદ્રામાં ઉદ્ધવની ઠાકરે દેખાય છે. શિવસેનાની વેબસાઈટમાં જે નવી વાત દેખાય છે તે વેબસાઈટનું મરાઠીકરણ છે. ડિફોલ્ટ આ વેબસાઈટ મરાઠી ભાષામાં ઓપન થાય છે, પછી તેને અંગ્રેજીમાં જોવી હોય તો નીચે વિકલ્પ આપવામાં આવ્યું છે. વેબસાઈટ પર શિવસેનાનું જે સ્લોગન ઝળકે છે તે : “80 ટકા સમાજકારણ, 20 ટકા રાજકારણ"નું છે. જોકે જેમણે શિવસેનાની પ્રવૃત્તિ જોઈ-જાણી હોય તેઓ 80 ટકામાં કઈ પ્રવૃત્તિ આવે તે જાણે છે.

આવનારી સત્તરમી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષને પણ ધ્યાનમાં લેવા જોઈએ. સમાજવાદી પક્ષના વર્ચ્યુઅલ વિશ્વમાં માત્ર અખિલેશ યાદવનો જ ચહેરો છે. જોકે અખિલેશનો પ્રયાસ ગત્ વખતની સાત બેઠક જાળવવાનો છે. બહુજન સમાજ પક્ષની સાઈટ પર જઈએ તો એવું લાગે કે બહુજન સમાજ પક્ષનું પરિણામ ગયા વખતની ચૂંટણીની જેમ શૂન્ય બેઠક જ આવશે. ભારતીય રાજનીતિમાં સતત હાજરી પૂરાવનારો બીજો એક પક્ષ રહ્યો છે, તે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. અનેક રાજ્યોમાં હાજરી હોવા છતાં જ્યારે વર્ચ્યુઅલ વર્લ્ડ પર જઈએ ત્યારે તેમની વેબસાઈટમાં કશીય નવિનતા દેખાતી નથી.

રાજકીય પ્રચારના સંદર્ભે અહીં વર્ચ્યુઅલ વર્લ્ડની વાત કરી હોવા છતાં જ્યારે વાત ખરેખર રાજકીય પ્રચાર પ્રસારની આવે છે, ત્યારે પ્રચારની સૌથી કારગર રીત પરંપરાગત જ ગણવામાં આવી છે. મતલબ કે મતદારો સાથે સીધો સંપર્કમાં આવવું. પરંતુ હવેની રાજનીતિનું જે વલણ છે તેમાં સોશિયલ મીડિયાને અવગણી શકાય નહીં, અને એટલે જ આજે દરેક પક્ષ પોતાની વર્ચ્યુઅલ હાજરી ઊભી કરી.