જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે સ્થાન મેળવવા છેક નવસારી અને દિલ્હી સુધી દાવેદારોએ દોટ મૂકી હતી. આખરે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલના નજીકના ગણાતા અને ભાજપના યુવા નેતા અને સંગઠનના પાયાના કાર્યકર એવા રાજેન્દ્ર પટેલની પ્રમુખ તરીકે પ્રદેશ મોવડી મંડળે કળશ ઢોળી નિમણૂંક કરી છે પ્રમુખની વરણી બાદ હવે ગડમથલ છે. કારોબારી રચવાની ત્યારે પક્ષ સત્તામાં હોવાથી પદ માટે ઘણાની દાઢ ડળકે તે સ્વાભાવિક છે માટે દાવેદારીથી માંડી લોબીંગ કરાવવા કે દબાણ કરાવવા સુધી અમુક પદઇચ્છુકો મહેનત કરી રહ્યા છે, કેમકે ટુંકા ગાળામાં આ પ્રક્રિયા પણ પુરી કરવાની છે, હવે પક્ષની સૂચના છે તે જોઇએ તો સુત્રોના જણાવ્યા મુજબ મહાનગર, નગર એટલે કે શહેરી વિસ્તાર સંગઠનમા ભણેલા યુવા શિક્ષિત તેમજ મહિલાઓને સ્થાન આપવાનુ થાય છે.

    નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની નિમણૂંક બાદ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાજપમાં કારોબારી કે પછી વિવિધ મોરચામાં પદ અને કારોબારીની નિમણૂંકમાં મોટાભાગે નો રિપીટ રાખવાનું નક્કી છે તેમ છતાં અપવાદ હોઈ શકે છે. પ્રથમ તો એવી ચર્ચા હતી કે કારોબારી મોટાભાગે એ જ રાખવી તેમજ તાલુકા મંડલોમાં પણ વધુ પડતુ યથાવત રાખવુ અને જુજ ફેરફાર કરવા પરંતુ એક તરફ સુત્રો એમ પણ જણાવે છે કે તે ફોર્મ્યુલા વિચારાઇ હતી પરંતુ હવે તેમાં થોડો સુધારો થયો છે, બીજી તરફ જીલ્લા સ્તરના સંગઠનમાં મહેનતુ, અનુભવી, સિનિયર્સ, ખેતી વગેરે સાથે સંકળાયેલા તેમજ પ્રજા વચ્ચે જઇ શકે તેવા કાર્યકર્તાઓને પદ આપવા પક્ષની ગાઇડ લાઇન છે માટે તે મુજબ વરણી થશે.


 

 

 

 

 

વરણી કરનાર અને વરણી પામનારની નજર સામે છે ચૂંટણી

       દાવેદારી તો થઇ જાય પરંતુ હમણા કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત વગેરે ચૂંટણી ગાજે છે, માટે સંગઠનમા ગોઠવાયા તો પછી તે ચુંટણી માટે દાવેદારી ન થાય તેમ કાર્યકર્તાઓ વિચારે તો સામેની બાજુ નેતાઓ પણ આ બાબત ધ્યાને લઇ સામાજીક સમીકરણો તેમજ ઉપયોગિતાની દિશામા વિચાર કરે માટે હાલ તો જોઇએ તો એક તરફ સંગઠન કારોબારી તેમજ આગામી ચૂંટણી બંનેમાથી શેમાં પસંદગી કરવી કેમા દાવેદારી કે ભલામણ કરાવવી વગેરે બાબતોનો ધમધમાટ  હાલ જામ્યો છે.

શાસક પક્ષ હોવા છતા મોટાભાગના કાર્યકર્તાઓનો વાગતો નથી ગજ..?

    આમ તો કહેવાય રાજ્ય અને દેશના સતાધારી પાંખના કાર્યકર્તા છતાંય દરેકના ગજ વાગતા નથી કચેરીઓમાં કે ખાનગી ક્ષેત્રોમા વજન પડતા નથી, ઉપરથી દરેક કાર્યકર્તાઓને નેતાઓનો સપોર્ટ નથી હોતો. મોડાસા નગર પાલિકા અને બાયડ નગર પાલીકામાં અને અમુક તાલુકા પંચાયતમા ભાજપની સતા છે સહકાર ક્ષેત્રમાં ઘણા એકમોમાં ભાજપ પ્રેરિત આગેવાનો સત્તામાં છે, પરંતુ આ દરેકમાં સિમિતને જ  લાભ મળતા હોય મોટો વર્ગ નારાજ રહે છે, તે સ્વાભાવિક હોવાનું રાજકીય વિશ્લેષકો સાથેની વાતચીતમાંથી તારણ નીકળે છે.

નહીં તો નાના મોટા કામ મળે ફાઇલો જલદી ચાલે પોલીસમાં ભલામણો ચાલે ઓળખીતા કે ટેકેદારના પ્રશ્નો હલ થાય વગેરે જેવી નાની-મોટી અપેક્ષા કાર્યકર્તાઓની હોય ઉપરથી પોતાના કે ભાગીદારોના ધંધાઓને રક્ષણ મળે તેમ ઇચ્છનાર કાર્યકર્તાઓનો પણ મોટો વર્ગ છે તે તમામને ખાસ લાભ થતા નથી આમ અનેક બાબતો જોતા આગામી સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીમા વૈતરૂ જ કરવુ પડશે ને વળશે નહી કંઇ. તેમ માની મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાલ સંગઠનમાં ન પણ ઘૂસે બીજી બાજુ પદ મળતુ હોય તો શું વાંધો થાય એટલુ કામ કરીશું તેમ વિચારનારાઓ પણ છે.

તો વળી ચૂંટણી લડવાના ઓરતા લઇ ગુમનાર પણ ખુબ છે, માટે નેતાઓ માટે પંસદગી પ્રક્રિયા જટીલ તો છે જ ત્યારે સંગઠન રચનાઓ બાદ સીધી જ આવનાર ચૂંટણી માટે સબળ ઉમેદવાર અત્યારથી જ ધ્યાનમાં રાખવાના હોઇ તે રીતે પણ વિચારાઇ રહ્યું છે. છતાંય એકમત એવો છે કે યુવા શિક્ષિત મહિલા મહેનતુને વધુ ચાન્સ સંગઠન કે ચૂંટણી બંનેમાં રહેશે તેમ મનાય છે, છતાય બંને જિલ્લાઓની કારોબારી, શહેરી કારોબારી તેમજ તાલુકા મંડલમા પ્રમુખ સહિત સાવ નવી જ સંરચનાની પ્રક્રિયામા ૨૫ ટકા એજ માળખું રહેશે અને ૭૫ ટકા ફેરબદલ થાય તેવી શક્યતા છે. આ જ ફોર્મ્યુલા ચૂંટણીમાં રહેવાનું પ્રબળ અનુમાન છે.