ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.અમદાવાદ): જો તમે, લોકોને પૂછો કે જગતની સૌથી જાણીતી પોલિટિકલ કોમોડિટી કઈ? તો જવાબ ક્રૂડ ઓઇલ જ હશે. અલબત્ત, રાજકીય જણસ તરીકે ઘઉંનો ઇતિહાસ સૌથી જૂનો છે. જગતના સૌથી મોટા નિકાસકારોમાંના એક, રશિયાએ ઘઉં પર નિકાસ જકાત નાખવાનો પ્રસ્તાવ લાવતા, ભાવમાં અફડાતફડી જોવાઈ રહી છે. આને લીધે વિશ્વબજારમાં પુરવઠા સ્થિતિની અચોક્કસતાઓ સર્જાઇ છે. શુક્રવારે મોલભાવ કારવાવાળાની લેવાલીએ શિકાગો સોફટ રેડ વીંટર વ્હીટ માર્ચ ૨૦૨૧ વાયદો વધીને ૬.૦૭ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયો હતો.

રશીયાએ સ્થાનિક ભાવોને નિયંત્રિત કરવા ૧૫ ફેબ્રુઆરીથી ૩૦ જૂન સુધીનો ક્વોટા નિર્ધારિત કરીને ઘઉં પર પ્રતિ ટન ૨૫ યુરો અથવા ૩૦.૪૦ ડોલરની નિકાસ જકાત નાખવાની દરખાસ્ત મૂકી છે. ૧૭૫ લાખ ટનથી વધુ નહીં એ પ્રમાણે રશિયાએ ઘઉં, જઉ, મકાઇ જેવા અનાજ પર નિકાસ ક્વોટા નિર્ધારિત કરી નાખ્યો છે. એક જર્મન ટ્રેડરે કહ્યું હતું કે રશિયન નિકાસકારો ૧૫ ફેબ્રુઆરી પહેલા જ મહત્તમ શિપમેન્ટ થઈ જાય તેવા પ્રયાસો આરંભશે, અને દેશ બહાર વધુમાં વધુ ઘઉં રવાના કરી દેશે.

આગામી બે મહિનામાં જો રશિયા જાગતિક બજારમાં ઉતાવળે દાખલ થશે તો, બજારમાં ટૂંકાળાની મંદીનું સર્જન થઈ શકે છે. અને વાયદો પણ ઝડપથી ઘટવાની શરૂઆત થશે. અલબત્ત, રશિયન નિકાસકારો કહે છે કે આવું શક્ય નથી, કારણ કે ખેડૂતોમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે આગામી વર્ષનો પાક નબળો રહેવાની આગાહી જોતાં અત્યારે વેચવાની ઉતાવળ વાજબી નહીં ગણાય.

 સીબીઓટી ઘઉં વાયદાએ જુલાઇ ૨૦૧૨માં ૮.૯૨ ડોલરની હાઇ અને ત્યાંથી ઘટીને ઓગસ્ટ ૨૦૧૬માં ૩.૫૯ ડોલરની લો બનાવી હતી. આમ આ વાયદાની હાયર હાઇ અને લોઅર લોઝની વચ્ચે અત્યારે ભાવ જોલા ખાય છે. પેરિસ સ્થિત યુરોનેક્સ્ટ માર્ચ મિલિંગ ઘઉં વાયદો ટન દીઠ ૨૦૫.૭૫ ડોલર (૨૫૦.૪૬ ડોલર) બોલાયો હતો. રશિયન ઘઉં નિકાસ ટેક્સની વાત આવ્યા પછી યુરોનેક્સ્ટ ૨૭ નવેમ્બરે ૨૧૧.૨૫ યુરોની ઊંચાઈ સ્પર્શી ગયો હતો.

ઈજીપ્તે ૧.૨૦ લાખ ટન યુક્રેનિયન ઘઉં ૧૨.૫ ટકા પ્રોટીન, એફઓબી બ્લેક-સી પોર્ટ શરતે ૨૫૨થી ૨૫૬ ડોલરના ભાવે ખરીધયા હતા. ૧૧.૫ ટકા પ્રોટીનના ભાવ ૨૫૧થી ૨૫૫ ડોલર બોલાતા હતા. ઈજીપ્તે ઇન્ટરનેશનલ ટેન્ડરમાંથી ૧.૧૫ લાખ ટન રોમાનિયન ઘઉંનો સોદો પણ કર્યો હતો. જુલાઇ જૂન ૨૦૨૦-૨૧ સિજનમાં યુક્રેનએ ૧૭૫ લાખ ટન ઘઉં નિકાસની યોજના બનાવી છે.

અમેરિકન કૃષિ મંત્રાલયે વૈશ્વિક ઘઉં ઉત્પાદનનો વરતારો ૭૭૩૭ લાખ ટનનો મૂક્યો છે. રાશિયાનું ઉત્પાદન ૮૪૦ લાખ ટન, કેનેડા ૩૫૨ લાખ ટન, ઓસ્ટ્રેલીયા ૩૦૦ લાખ ટન, ભારત ગતવર્ષના ૧૦૬૨.૧ લાખ ટનનો વિક્રમ વટાવીને આ વર્ષે ૧૦૭૧.૮ લાખ ટન ઘઉં બજારમાં ઠાલવશે. યુક્રેન આ વર્ષે ૬૪૩ લાખ ટન ઘઉં ઉત્પાદિત કરશે, ગયા વર્ષે તેનો નવો વિક્રમ ૭૫૧ લાખ ટન લણણીનો હતો. ૨૦૨૦-૨૧માં ચીનનું ઉત્પાદન ૧૩૬૦ લાખ ટન અંદાજાયું છે.

ભારતની જયપુર અને ઈન્દોર મંડીમાં જથ્થાબંધ માંગ નબળી પાડવાના સમાચારે ભાવમાં નરમાઈ જોવાઈ હતી. આ સાથે જ ઈન્દોર બજારમાં આવક દૈનિક સરેરાશ ૪૦૦૦ ગુણી (પ્રત્યેક ૧૦૦ કિલો)થી વધીને ૫૦૦૦ ગુણી થઈ હતી, જ્યારે જયપુરમાં પણ આવક ૧૦૦૦ ગુણીથી વધીને ૧૫૦૦ ગુણી આસપાસ રહી છે.        

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૭-૧૨-૨૦૨૦