મેરાન્યૂઝ નેટવર્ક.લખીમપુર ખીરીઃ  લખીમપુર ખીરીના તિકુનિયા કાંડ પછી થયેલું ધમાસાણ રોકાવાનું નામ હાલ લેશે નહીં તે સ્પષ્ટ છે. મંત્રી પુત્ર આશીષ અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચની ટીમના સામે હાજર થયો નથી. આ દરમિયાન ચર્ચાઓ ચાલી રહી છે કે આશીષ નેપાળ ભાગી ગયો છે. ત્યાં જ શિરોમણી અકાલી દળના પ્રતિનિધિ મંડળ આજે લખીમપુર ખીરી આવશે અને પીડિત પરિવારોની મુલાકાત કરશે. નવજોત સિંહ સિદ્ધુ પણ આજે લખીમપુર આવે તેવી શક્યતા છે.લખીમપુર હિંસાના નામજોગ આરોપી કેન્દ્રીય ગૃહમંત્રીનો પુત્ર આશીષ મિશ્રા યૂપી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની સામે હાજર નથી થયો. પોલીસે તેને સમન ઈસ્યૂ કરી આજે 10 વાગ્યે હાજર થવા કહ્યું હતું. આ દરમિયાનમાં પોલીસે ગઈકાલે કેન્દ્રીય મંત્રીના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.

હાલ ઘટનામાં અદાલતી દબાણનો સામનો કરી રહેલી યુપી પોલીસે ગઈકાલે લાંબી પુછપરછ પછી લવકુશ અને આશીષ પાંડે નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરી ખાતે કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર એક થાર કાર અને ફોર્ચ્યૂર્નર લઈને કચળી નાખવાની ઘટના અને તે પછી ફાટી નિકળેલી ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ ઘટનાને સુપ્રીમ કોર્ટે સુઓમોટો તરીકે ઘ્યાને લીધી હતી. આ કારણે પોલીસ પર પણ આ ઘટનાને લઈને કામનું પ્રેશર વધ્યું છે. આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા સામે આરોપ છે કે તેણે ખેડૂતોને કચળી નાખ્યા છે. આ ઘટનામાં ફરિયાદ પણ ખેડૂતો દ્વારા નોંધાવાઈ છે.