મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજઃ મેઘરજ પોલીસ ૧૩ ઓક્ટોમ્બરે રાત્રીના સુમારે મેઘરજ જુના બસ સ્ટેન્ડ નજીક વખારોની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા શકુનિઓ પર ત્રાટકી હતી. જેમાં ૭ જુગારીઓ ઝડપાયા હતા અને ત્રણ ફરાર થઈ ગયા હતા. મેઘરજ પોલીસે રૂ.૩૦,૨૯૦/-રોકડા અને આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ સાથે રૂ.૫૨,૨૯૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગાર રેડમાં પકડાયેલા ઇકબાલ ચડી પાસેથી પોલીસ કોન્સટેબલે ૨૫ હજાર રૂપિયા કાઢી લઈ સાહેબને આપ્યા હોવાની આરોપીની પત્ની અને કોન્સ્ટેબલ વચ્ચેની ઓડિયો કલીપ વાયરલ થતા ભારે ચકચાર મચી હતી. આરોપીની પત્નીએ આ અંગે રેન્જ આઈજી,એસપી અરવલ્લી સહીત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી ૨૫ હજાર રૂપિયા પોલીસે ખિસ્સામાં મુક્યા હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરવા તજવીજ હાથધરી હતી. આરોપી પત્ની અને પોલીસ કોન્સ્ટેબલની ઓડીયો કલીપ વાઈરલ થતા એસપીએ તપાસના આદેશ આપી દીધા છે.

મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીએ ચાર્જ સંભાળતાની સાથે અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી હાથધરી હતી જુના બસ સ્ટેન્ડ નજીક ૧૩ ઓક્ટોમ્બરે વખારની ખુલ્લી જગ્યામાંથી જુગારીઓ ઝડપી લીધા હતા. આરોપી જેમાં ઇકબાલ ચડીની પત્ની અને મેઘરજ પોલીસ કોન્સટેબલ સિઘ્ધરાજસિંહ સાથે વાતચીતની ઓડિયો કલીપ વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાએ તેના પતિના ખિસ્સામાંથી શૌચાલયમાં જઈ ૨૫ હજાર રૂપિયા મુકવા આપ્યા હતા. તે ક્યાં ગયા અને આટલો ઓછો કેસ કેમ બનાવ્યો છે સહીતની વાતચીતમાં પોલીસકર્મી સાહેબને આપી દીધા છે કહી રહ્યો છે. જે અંગેની ઑડિયો કલીપ વાઈરલ થતા ભારે ચકચાર મચી છે ઓડિયો કલીપ વાઈરલ થતા જુગારધામ પર પડેલ દરોડો હાલ શંકાના દાયરામાં આવી ગયો છે ઓડિયો વાઈરલ થતા એસપી સંજય ખરાતે તપાસના આદેશ આપી દીધા છે. બીજીબાજુ ઇકબાલ ચડીની પત્નીએ મેઘરજ પોલીસ અને એક ઈસમ વિરુદ્ધ લેખીત અરજી કરવા તજવીજ હાથધરાતા પોલીસબેડામાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ઇકબાલ ચડીની પત્નીએ એસપી સહીત ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજુઆતમાં મેઘરજ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા બીજીબાજુ મેઘરજ પીએસઆઈ એન.એમ.સોલંકીની કામગીરીને નગરજનો આવકારી રહ્યા છે.