મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: હાર્દિક પટેલના સાથી અને પાસના નેતા અલ્પેશ કથીરીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી, અલ્પેશ કથીરીયાએ કોર્ટમાં મુકેલા જામીન અરજીની સુનવણી કોર્ટમાં નિકળી ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જામીન આપવા જોઈએ નહીં તેવી રજુઆત કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે તે હાર્દિકના ઉપવાસના ત્રણ કારણોમાં એક મુદ્દો અલ્પેશની મુકિતનો હતો, પરંતુ હાર્દિક ઉપવાસનો અંત લાવે તેના થોડા કલાક પહેલા કોર્ટમાં શરૂ થયેલી કથીરીયાની જામીન અરજીનો પોલીસે વિરોધ કરતા સ્પષ્ટ થયુ કે સરકાર હાર્દિકની એક પણ માગણી માનવા તૈયાર નથી.

2015માં અમદાવાદના જીએમડીસી  મેદાનમાં થયેલી સભા પછી રાજયભરમાં ફાટી નિકળેલા તોફાન બાદ પોલીસ દ્વારા હાર્દિક સહિત તેના સાથીઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો, જેમાં હાર્દિક પણ નવ મહિનોનો જેલવાસ ભોગવી હાલમાં જામીન ઉપર છે, આ જ કેસમાં અમદાવાદ પોલીસ દ્વારા અલ્પેશ કથીરીયાને પણ આરોપી બનાવી તેની ધરપકડ કરી હતી, અલ્પેશના જામીનની દલિલ કરતા વકિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે અલ્પેશ પાટીદાર અનામતની માગણી કરી હતી, તેણે કોઈને હથિયાર આપ્યા ન્હોતા, અલ્પેશ દ્વારા લોલીપોપનું વિતરણ કરવામાં આવ્યુ હતું  રાજદ્રોહ કહી શકાય નહીં.