મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠાના વડાલીના ભજપુરા ગામે દલિત પરિવારના પુત્રના લગ્નના વરઘોડા મામલે પોલીસ પ્રોટેક્શન મગાતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ચૂક્યુ છે. જોકે  હજુ સુધી આ ગામમાં જાતિવાદનો વિરોધાભાસ આવ્યો નથી એ પણ એક હકીકત છે.

સાબરકાંઠાના વડાલીના ભજપુરા ગામે દલિત પરિવારના પુત્રના લગ્ન મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ પાસે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ મામલે તાત્કાલિક ધોરણે આજથી જ પોલીસ જવાનો ઉતરી દેતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ચૂક્યું છે. ભજપુરા ગામના સ્થાનિક રહેવાસી નરેશભાઈ પોતે પ્રોફેસર છે. તેમજ તેમના દિકરાના લગ્ન નિમિત્તે જ ઘરે આવેલા છે. ત્યારે સ્થાનિક કેટલાક તત્વો દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા પાસે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. જેના પગલે પોલીસે હાલમાં 80થી વધારે જવાનોની ફોજ ઉતારી છે. જોકે સ્થાનિક ગ્રામજનોનું માનીએ તો આજદિન સુધી આ ગામમાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ ઉભો થયો નથી, તેમ જ આ વખતે પણ આવો કોઈ વિવાદ બનશે નહીં તેવી આશા વ્યકત કરી છે.