મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં ખાનગી વાહનો પર પોલીસ, P, ડોક્ટર, એડવોકેટ કે પ્રેસનું લખાણ લખાવીને ફરતા લોકો વિરુદ્ધ દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા લખાણ ખાનગી વાહનો પર લખવા એ ગેરકાયદે છે અને આવા લખાણવાળા વાહનચાલકા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલામાં આવે છે. જે અનુસાર પહેલા જ દિવસે શુક્રવારે ટ્રાફિક પોલીસે આ પ્રકારના બિનઅધિકૃત લખાણવાળા 48 વાહનોની અટકાયત કરીને તેમની પાસેથી રૂ.24 હજારનો દંડ વસૂલ્યો હતો. 13 ઓગસ્ટે શુક્રવારથી શરૂ કરવામાં આવેલી આ ડ્રાઇવ 19 ઓગસ્ટ સુધી ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન પર પોલીસ કે ‘P’ લખીને ફરતા હોવાનું શહેર પોલીસ કમિશનરના ધ્યાને આવતાં તેમણે ખાનગી વાહન પર પોલીસ કર્મચારી કે અધિકારી લખેલું લખાણ દૂર કરવા અને તેમની પાસેથી દંડ વસૂલવા માટે એક અઠવાડિયાની સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી, જેમાં 500 જેટલાં વાહનો પરથી પોલીસ અને P લખેલા લખાણ દૂર કરી પોલીસ કર્મચારીઓ પાસેથી રૂ.5 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

દરમિયાન આ જ રીતે ડોક્ટર, એડવોકેટ કે પ્રેસ જેવા લખાણ પણ ખાનગી વાહન પર લખીને લોકો ફરતા હોવાનું ઉપરી અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. આથી આવા વાહનચાલકોને પકડીને દંડ વસૂલવા અને આ પ્રકારનાં બિનઅધિકૃત લખાણ દૂર કરવા માટે 13થી 19 ઓગસ્ટ સુધીની એક અઠવાડિયાની સ્પેશિયલ ડ્રાઇવ ટ્રાફિક પોલીસે શરૂ કરી છે.