મેરાન્યૂઝ નેટવર્ક.ગોરખપુરઃ યૂપીના ગોરખપુરમાં બીઆરટી ઓક્સિજન કેસને લઈને ચર્ચામાં આવેલા ડો. કફિલે પોતાના ભાઈ પર હુમલાને લઈને મોટો આરોપ લગાવ્યો છે. કફિલનું કહેવું છે કે તે ભાજપના સાંસદ કમલેશ પાસવાન અને સતીશ નાંગલિયા (બલદેવ પ્લાઝાના માલિક)ની આ ઘટના પાછળ મુખ્ય ભૂમિકા છે. તેના માટે કમલેશ અને સતિશે શૂટર્સ હાયર કર્યા હતા. કફિલે યૂપી પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાઈ પર ઘાતકી હુમલો કરનારા આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી.

ડો.કફિલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કમલેશ પાસવાન સાથે મારા ભાઈની કોઈ વ્યક્તિગત દુશમની નથી. મારા કાકાની જમીનના એક હિસ્સા પર કમલેશ અને સતીશ નાંગલિયાએ દબાણ કરી દીધું હતું. જમીનને લઈને ફેબ્રુઆરીથી જ આ વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલામાં પ્રાથમિકી પણ ફાઈલ થઈ અને હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

કફિલનું કહેવું છે કે પોલીસના આશ્વાસન છતાં સાત દિવસ વિતી ગયા, પણ હજુ સુધી આરોપીઓની ધરપકડ થઈ ન હતી. પોલીસે વાયદો કર્યો હતો કે ભાઈ કાસિફને ગોળી મારનારને 48 કલાકમાં પકડી પડાશે પણ સાત દિવસ વિતી ગયા છતાં આરોપી હાથે લાગ્યા નથી. તેનાથી સાબિત થાય છે કે ભાજપ સાંસદ કમલેશ પાસવાનના ઈશારે બધું થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે આ કેસમાં હવે તેમને યુપી પોલીસ પર ભરોસો નથી. અમે લોકો સીબીઆઈ તપાસની માગ કરીએ છીએ કે પછી હાઈકોર્ટના કોઈ જજ આ કેસની તપાસ કરે. આ પછી જ અમને ન્યાય મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, ડો. કાફિલ ખાનના નાના ભાઈ કાસિફ જમીલ પર 10 જૂને ગોરખનાથ મંદિરથી કેટલાક દુરથી જીવલેણ હુમલો થયો હતો. તે રાત્રે અંદાજીત 10.30 કલાકે અંગત કામથી ઘરે આવી રહ્યા હતા. ગોરખનાથ મંદિરના નજીક પુલ ક્રોસ કરતાં જ કોતવાલી મથક વિસ્તારમાં પલ્સર બાઈક પર આવેલા બે શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો તે પછી ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કાસિફને બદમાશોની ત્રણ ગોળીઓ વાગી હતી. કહેવાય છે કે તે ખુદ બાઈક ચલાવતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તે પછી પરિવારને સૂચના અપાઈ હતી કે પરિવારે તેમને સ્ટાર હોસ્પિટલમાં ભર્તી કર્યા હતા.