મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા ચોમાસું સત્રના આજે પ્રથમ દિવસે જ ખેડૂત આક્રોશ રેલી તથા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના કારણે ગુજરાત વિધાનસભા તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ કાફલો ખડકી દેવા સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી લઇ વિધાનસભા- સચિવાલય સંકુલમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના માત્ર બે જ ગેટ ખુલ્લા રાખી બાકી તમામ ગેટ પર તાળાબાંધી કરવા સાથે બેરીકેટસ અને દોરડા ઉપરાંત પોલીસની અભેદ સુરક્ષા ઉભી કરવામાં આવી હતી. જ્યારે ઘ અને ચ-માર્ગ સહીત વિધાનસભાને જોડતા મુખ્યમાર્ગો ઉપર પોલીસે ચુસ્ત નાકાબંધી કરી દીધી હતી.

ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી ખેડૂત આક્રોશ રેલી પછી ગુજરાત વિધાનસભા તરફ આગળ વધતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં છૂટોછવાયો પથ્થરમારો થતા પોલીસે પણ બળપ્રયોગ કરી હળવો લાઠીચાર્જ કર્યો હતો. આમછતાં ઘ-રોડ ઉપર આગળ વધી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત આગેવાનો-કાર્યકરોની લગભગ એક ડઝન જેટલી પોલીસ બસ ભરીને અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા આજે ખેડૂતોના દેવા માફી સાથે અન્ય મુદ્દાઓ પર ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગી ધારાસભ્યો, ખેડૂતો અને કાર્યકરોએ વિધાનસભા તરફ સત્યાગ્રહ છાવણીથી માર્ચ કરી હતી. જેમાં પોલીસ પર પથ્થરમારો થતાં ચાર પોલીસકર્મી ઘાયલ થયાં હતાં. જ્યારે એક ડઝન જેટલા પોલીસ વાહનોમાં આ કાર્યકરોને ડીએસપી કચેરી અને કરાઈ પોલીસ એકેડમી ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ અગાઉ યોજાયેલી કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની નીતિના કારણે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની ગયા છે. સેટેલાઈટ માપણી કરાવી સરકાર ભાઈ ભાઈને અંદરો અંદર લડાવે છે. ખેડૂતોને વીજળી, સિંચાઈનું પાણી મળતું નથી.ગુજરાતમાં લોકશાહીનું હનન થતા ઉપવાસ, સભા કે વિરોધ કરવા દેવામાં આવતો નથી. જ્યારે પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, રાજ્યમાં ખેડૂતો ત્રસ્ત છે. સરકાર પોતાના મનમાની કરી ખેડૂતોના મનની વાત સાંભળતી નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ગુજરાતમાં કેમ નહીં? તેમ કહી ખેડૂતોના દેવાં માફ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ રીબડીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર વગેરેએ આક્રમકતાથી ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.