હરેશ ભટ્ટ (મેરાન્યૂઝ.સુરત): સાહેબ, મારી પત્ની ગામ ગઈ છે. મને ખાવાનું બનાવતા આવડતું નથી. મારે શું કરવું ?આવો એક પ્રશ્ન યુવાને પોલીસ કન્ટ્રોલરૂમમાં કર્યો એ સાથે જ પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ કે આ યુવાનની સમસ્યાનું કરવું શું? સામાન્ય સંજોગોમાં સુરત પોલીસના કન્ટ્રોલરૂમમાં સરેરાસ 250થી વધુ ફોન આવે છે પણ જ્યારથી લોક ડાઉન જાહેર થયું છે ત્યારથી લગભગ ત્રણ ગણા એટલે કે 750થી 800 જેટલા ફોન આવે છે. જેમાં મોટા ભાગે  લોકો ટોળા વળીને ઉભા છે, સોસાયટીમાં યુવાનો  ક્રિકેટ રમે છે, દુકાનનું શટર આગળથી બંધ રાખી પાછળથી ધંધો કરે છે વગેરે વિવિધ પ્રકારની ફરિયાદનો સમાવેશ થાય છે. 

કોરોના વાયરલને વધુ ફેલાતો અટકાવવા માટે વધુ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે. લોકડાઉનનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકડાઉનને કારણે રોજનું કમાઈ ખાનારાઓની હાલત કફોડી બની છે. તો બહારથી રોજગારી મેળવવા માટે આવતા લોકોની પરિસ્થિતિ પણ ખરાબ થઈ છે. તેવી સ્થિતિમાં લોકો પોલીસ કન્ટ્રોલ રૂમનો ટોલ ફ્રી ફોન 100 નંબરનો મહત્તમ ઉપયોગ કરે છે અને પોતાની સમસ્યા કહો કે વેદના પોલીસ સમક્ષ વ્યક્ત કરે છે. 

પોલીસ કન્ટ્રોલ રૂમમાં રોજના 750થી વધુ કોલ આવી રહ્યા છે જેમાં મોટાભાગના કોલ સોસાયટીના નાકે ટોળાં ઉભાં છે. ક્રિકેટ રમે છે. પાનનો ગલ્લો, ચાની લારી ખઉલ્લી છે  તો કેટલાક દુકાનદારો આગળથી શટર બંધ રાખી પાછલા બારણે ધંધો કરતા હોવાની ફરિયાદ મળી હતી. તો કેટલાક કિસ્સામાં ભોજન માટે પણ કોલ મળી રહ્યા છે. આ બધા ફોનની વચ્ચે ઍક કોલ ઍવો આવ્યો હતો ફોન કરનાર રોજગારી માટે  બહારગામથી આવીને ભાડાના મકાનમાં રહે છે. તેનો પરિવાર વતનમાં રહે છે.  પોતે રોજના મેસમાં જમે છે. ત્યારે આ યુવકની હાલત લોકડાઉનના કારણે ઍકદમ દયનીય બની ગઈ હતી. લોકડાઉનના કારણે મેસ બંધ થઈ જતા આ યુવાનને જમવાના  ફાંફા પડી ગયા હતા. જેથી તેણે કન્ટ્રોલ રૂમમાં ફોન કરી સાહેબ મારી પત્ની ગામ ગઈ છે. મારે જમવાનું કેવી રીતે બનાવવું, પોલીસે પણ શાંતિપૂર્વક તેની વાત સાંભળી તેને  આજુબાજુની દુકાનમાંથી કરિયાણા સહિતનો સામાન ખરીદી લેવા માટે કહ્યું. આટલી વાત સાંભળ્યા બાદ યુવાને વાતનો દોર લંબાવ્યો અને કહ્યું, સાહેબ અનાજ કરિયાણુ તો લઈ લઇશ પણ મને ખાવાનું બનાવતા આવડતું નથી મારે શું કરવું આટલું  કહી ફોન મૂકી દીધો હતો.

કેટલાક મેસેજ એસએમસીને પાસ કરી દેવામાં આવે છેઃ પંડ્યા

આ બાબતે કન્ટ્રોલરૂમના મદદનીશ પોલીસ કમિશનર જે.કે. પંડ્યાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે સરેરાશ કરતા ત્રણ ગણા વધુ કોલ મળી રહ્યા છે. જેમાંથી ભોજનને લગતા ફોન હોય તે ફોન સંદર્ભે સ્થાનિક પોલીસ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ પાસ કરી દેવામાં આવે છે. કોઇ માણસ ભૂખ્યો ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

104 નંબર પર રોજના અધધ 15,000 ફોન

કોરોનાને કારણે રાજ્ય સરકારે ટોલ ફ્રી નં. 104 હેલ્પ લાઇનના રૂપમાં શરૂ કર્યો છે. આ નંબર પર પ્રતિદિન આશરે 15 હજારથી વધુ ફોન આવે છે. જેમાંથી માત્ર અને માત્ર ગણીને સાડા સાત ટકા કોલ જ કામના હોય છે.