મેરાન્યૂઝ નેટવર્ક, મહેસાણા: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકટોક પર પોલીસની વર્દીમાં વિવિધ ગીત પર વીડિયો મુકી ફેમસ થયેલ મહેસાણાની મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે પણ વિવાદનું કારણ સોશિયલ મીડિયા છે અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર મુકેલા ફિલ્મી ગીતો પર વર્દીમાં વીડિયો જ છે. 

મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરી હાલ  મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે ફરજ બજાવે છે. તેણે હાલમાં બેચરાજી મંદિરમાં ડ્યુટી આપવામાં આવી છે. જોકે ડ્યુટીના સમયે અલ્પિતાએ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વીડિઓ બનાવેલા હતા એ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તેના આ વીડિયો બાબતે મીડિયામાં ચર્ચાઓ શરૂ થતાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકાઓ કરી હતી. તણે કહ્યું હતું કે મેં ફરજ દરમિયાન કોઈ વીડિયો બનાવ્યાં નથી. આ મામલે હવે એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે. અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં બહુચરાજી મંદિર પરિસરમાં યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત સોંગ પર વીડિયો બનાવ્યો હતો. 

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અલ્પિતાએ ટિકટોક માં પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વિડિઓ બનાવતા મામલો ગરમાયો હતો. જોકે એ સમયગાળા દરમિયાન તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તેમજ ફરી કોઈ વખત આવી ભૂલ નહિ કરું તેવું જેતે સમયે તેણે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. 

નોંધનીય છે કે, મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ બે વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો. જેના કારણે તેમને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું.

હાલમાં અલ્પિતાનો ફરી વીડિયો વાયરલ થવા અંગે મહેસાણા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીના વીડિયો મામલે બહુચરાજી પીઆઈ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. અગાઉ પણ અલ્પિતા ચૌધરીએ શિસ્તભંગ કરેલ હોવાથી ખાતાકીય તપાસ પણ કરાશે. 

ઘટના અંગે અધિક કલેક્ટર આર.આઈ. વાળાએ કહ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. મંદિરના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ કાર્યવાહી કરાશે. આ બાબતે એસપીનું પણ ધ્યાન દોરાશે. કાયદાનું પાલન કરવા સૌ બંધાયેલા છે. કોઈપણ કાયદાનું ઉલ્લંઘન હશે તો કાર્યવાહી કરાશે.

Advertisement


 

 

 

 

 

Advertisement