મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: ભાવનગરના તકતેશ્વર વોર્ડના કોંગ્રેસના નગરસેવીકા અને પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીને જમીન બાબતે બોલાચાલી થતા મહિલા પોલીસ કર્મીએ આવેશમાં આવી જઇ પારૂલબેનને ફડાકા ઝીંકી દઇ લાકડીથી મારતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં પારૂલબેનને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં.

ભાવનગરના પૂર્વ મેયર અને કોંગ્રેસના કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીને પોલીસે લાફા ઝીંકી લાકડી વડે માર માર્યો હતો. જેમાં પારૂલબેનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને કાન,નાક અને ગળાના વિભાગમાં ઓપીડીમાં સારવાર હેઠળ રાખ્યાં હતાં. તેઓ બ્લોક નં. ૬ બી, રૂમ નં ૧૦૧, ગવર્નમેન્ટ ક્વાર્ટસ, પાનવાડી, ભાવનગરમાં રહે છે. તેઓ મેયર હતા ત્યારે ભાજપમાં હતા.આ બનાવની જાણ થતા જ આગેવાનો અને લોકોનું ટોળુ પારૂલબેનની તબીયત પુછવા દોડી ગયુ હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલી શ્રમનિકેતન સોસાયટીમાં એક વાગ્યા આસપાસ કોમન પ્લોટ બાબતે માથાકૂટ થઇ હતી. આથી સ્થાનિક રહીશોએ આ જ વિસ્તારમાં રહેતા પારૂલબેનને બોલાવ્યા હતા. પારૂલબેને લોકોની આગેવાની લઇ કોમન પ્લોટ મામલે પોલીસ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલે ઉશ્કેરાઇ જઇને પારૂલબેનના હાથ, કાનના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. પારૂલબેનના પુત્ર કૃણાલે જણાવ્યું હતું કે, મારા મમ્મીને લોકોએ બોલાવ્યા હતા. કોમન પ્લોટ મામલે પોલીસને રજૂઆત કરી હતી. ત્યારે એક લેડી પોલીસે માર માર્યો હતો. હાલ મારા મમ્મી સારવાર હેઠળ છે.