મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આજથી ઍન.ઍફ.ઍસ.ઍમાં સમાવેશ રેશનકાર્ડ ધારકોને સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિનામૂલ્યે અનાજ આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે આજે સવારથીજ રેશનીંગની દુકાનમાં અનાજ લેવા માટે રેશનકાર્ડ ધારકોઍ લાઈન લગાવી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અનાજ ખરીદવા આવતા રેશનકાર્ડ ધારકોને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન પોલીસ કરાવી રહી છે.

રાજય સરકાર દ્વારા  અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો રેશનકાર્ડધારકો તથા નેશનલ પોર્ટેબિલિટી યોજના હેઠળ લાભાર્થીઓને આધારકાર્ડ આધારિત ઓળખ આપી તેમને મળવાપાત્ર અનાજ રાજયમાં કોઇપણ વાજબી ભાવની દુકાન પરથી આપવાની જાહેરાત કરી છે.  જેનો આજથી અમલ કરવામાં આવતા આજે સવારથી સસ્તા અનાજની દુકાનો પર લાઇનો લાગી છે. સસ્તા અનાજની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સની પણ પુરતી કાળજી રાખવામાં આવી છે. રેશનીંગ દુકાનમાં ધક્કા મુક્કી પડાપડી ન થાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, જે અનાજ ખરીદવા આવેલા લોકોને સોશિયલ ડિસ્ટન્ટ સાથે લાઈનોમાં ઉભા રાખી રહી છે.