દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અત્યારે દેશમાં કોરોનાની મહામારીનો સમય ચાલી રહ્યો છે. એવામાં અનેક જગ્યાએ જોવા મળે છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કર્મચારીઓને આકરા પગલાં લેવા પડતા હોય છે ત્યારે અમદાવાદના એક સંવેદનશીલ વિસ્તાર કે જ્યાં ૨૦૧૯માં CAA - NRC કાયદાને લઈને પોલીસ અને પ્રજા વચ્ચે ઘણા સંઘર્ષ થયા હતા ત્યાં પોલીસ દ્વારા પ્રજાની કોરોના સામે સુરક્ષા માટે નિશુલ્ક મસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં કોરોના કેસનો આંકડો ખૂબ વધારે છે. મોટા ભાગની દુકાનો તો અમદાવાદમાં બંધ જ કરવામાં આવી છે છતાં જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એચ. વાળા અને પીએસઆઈ એસ. આર. બલાત ની ટીમ દ્વારા શાહપુર વિસ્તારમાં સામાન્ય પ્રજા માટે ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને પોલીસ દ્વારા માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું. કોરોના સામે રક્ષણ માટે સાવચેતી રાખવી જરૂરી છે.

કોરોના મહામારીના આ સમયમાં પોલીસ તંત્રને કાયદો અને વ્યવસ્થા જળવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં પોતાની ફરજ થી ઉપર લોકોના હિત માટે કાળજી રાખવી એ શાહપુર પોલીસનું બિરદાવવા યોગ્ય કામ છે. સામાન્ય રીતે પોલીસ અને પ્રજા વચ્ચે હંમેશા અંતર રહ્યું છે પણ પોલીસ સામાન્ય પ્રજાના હિત માટે જ કામ કરે છે અને પોલીસ પણ પ્રજાની મિત્ર બનીને રેહવા માંગે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.