પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વાસ્તવીકતા એવી છે કે આપણને કોઈને પોલીસ વગર ચાલતુ નથી અને આપણે પોલીસ ગમતી પણ નથી, એટલે જ્યારે આપણને તક મળે ત્યારે આપણો પહેલો ગુસ્સો પોલીસ ઉપર ઉતરે છે કયારેક ગુસ્સો શબ્દમાં હોય છે તો કયારેય વ્યવહારમાં હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો છે. બધા જ વિભાગમાં ભ્રષ્ટાચાર છે, જાણે ભ્રષ્ટાચાર કરવામાં તેમણે એકબીજા સાથે હરિફાઈ લગાડી હોય અને જે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરશે તેમને એવોર્ડ આપવામાં આવશે તેવી સરકારે જાણે જાહેરાંત કરી હોય તેવી સ્થિતિ છે, આ સમગ્ર મામલે ભ્રષ્ટ વિભાગની યાદી બનાવવામાં આવે તો પોલીસનો ક્રમ 18મો આવે છે, આમ પોલીસ કરતા રાજયના અન્ય વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવા છતાં આપણે તમામ લોકો એવું માનીએ છીએ કે સૌથી વધુ ભ્રષ્ટ પોલીસ છે. તો આપણે જે માનીએ છીએ તેમા કેટલી સત્યતા છે તે અંગે આપણે કયારેય વિચાર કરતા નથી..


 

 

 

 

 

પણ વાસ્તવીકતા એવી છે કે પોલીસ યુનિફોર્મમાં હોય છે, અને પોલીસે તેના નોકરીના કલાકો દરમિયાન પોલીસ યુનિફોર્મમાં પસાર કરવાના હોય છે, જયારે રાજયના અન્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ પણ નોકરી કરે છે જ્યારે તેમને કોઈ યુનિફોર્મ નથી, સુચક બાબત એવી છે સ્વભાવીક રીતે આપણું ધ્યાન યુનિફોર્મમાં કામ કરતા કર્મચારી તરફ પહેલુ જાય છે,જેના કારણે રસ્તામાં પચાસ સો રૂપિયો લેતા પોલીસ કોન્સટેબલ તરત આપણા ધ્યાનમાં આવે છે. જ્યારે કોર્પોરેશન અથવા કલેકટર ઓફિસમાં કામ કરતો કલાર્ક દસ હજાર રૂપિયા પણ પોતાની ચેમ્બરમાં લે તો આપણા ધ્યાનમાં આવતો નથી કારણ પહેલા તો તે જાહેરમાં પૈસા લેતો નથી અને તે યુનિર્ફોમ પહેરતો નથી, આમ રાજયના વિવિધ વિભાગોની ઓફિસમાં સાંજ પડે લાખો રૂપિયાની લેતીદેતી થઈ જાય પણ રસ્તા ઉપર વાહન ચાલકો પાસેથી દંડ લેતા પોલીસ પણ દેખાય તો પણ આપણુ મને કહે છે કે પોલીસ ભ્રષ્ટાચારી છે.

મારા અનેક મિત્રો પોલીસના ભ્રષ્ટાચાર અંગે જ્યારે બોલે છે, ત્યારે હું તેમને સવાલ પુછું છું કે પ્રમાણિકપણે જવાબ આપવાનો કે તમે જ્યારે આરટીઓ, રેલવે, કોર્પોરેશન જેવી સરકારી ઓફિસમાં ગયા છો ત્યારે તમારૂ કામ ઝડપી કરાવવા માટે પૈસા આપ્યા છે કે નહીં, તો મને મોટા ભાગના મિત્રોએ જવાબ હા કહ્યું છે, આમ આપણો ભ્રષ્ટાચાર સામેનો વાંધો સીલેકટીવ છે, પોલીસ સિવાયના વિભાગમાં આપણે કોઈ સરકારી કર્મચારીને પૈસા આપીએ ત્યારે આપણે પોતે પણ ભ્રષ્ટાચારનો હિસ્સો બનીએ છીએ તેવું લાગતું નથી, પણ પોલીસને લાંચની રકમ આપતી વખતે આપણને ભ્રષ્ટાચાર વધ્યો છે તેવી લાગણી થાય આવું કેમ થાય તે અંગે પણ આપણે કયારેય વિચાર્યું નથી. જ્યારે આપણે અન્ય સરકારી વિભાગમાં પૈસા આપી આપણું કામ કરાવી લઈએ છીએ તેને આપણે અભિમાનથી બીજાને કહીએ છીએ કારણ અહિયા પૈસા લેનાર અને આપનાર બંન્ને ખુશ હોય છે જ્યારે પોલીસમાં પૈસા આપનાર કાયમ દુઃખી હોય છે તેના કારણે આપણે પોલીસના ભ્રષ્ટાચારની ફરિયાદ કરીએ છીએ.


 

 

 

 

 

હવે વાત રહી પોલીસ કેમ ભ્રષ્ટાચાર કરે છે, તમે માનતા હશો કે પોલીસ જે ભ્રષ્ટાચાર કરે છે તે બધા તેમના ઘરે જતાં હશે તો આ વાત એકસો ટકા સાચી નથી, પોલીસને ભ્રષ્ટાચારમાંથી મળતા પૈસામાંથી અમુક હિસ્સો તમારી અને મારી સલામતીની વ્યવસ્થામાં પણ ખર્ચાય છે તેવું કહીશ તો કદાચ તમારા માટે આ વાત ઉપર ભરોસો કરવો મુશ્કેલ છે, પરંતુ આપણી પોલીસ વ્યવસ્થા હજી પણ બાબા આદમના જમાનાની છે, અંગ્રેજો જે નિયમો ઘડી ગયા તેમાં ખાસ કોઈ ફેર પડયો નથી, આપણે ત્યાં હજી પણ પોલીસને સાઈકલ એલાઉન્સ આપવામાં આવે છે, જ્યારે ગુનેગારો આધુનિક મોટર સાયકલ અને કારમાં ગુનો કરવા નિકળે ત્યારે આપણો પોલીસવાળો સાઈકલ ઉપર પેટ્રોલીંગ કરવા નિકળે તો ગુનેગાર આપણને મારીને જતો રહે તો પણ પોલીસ આપણી મદદે આવી શકે નહીં. આ તો એક ઉદાહરણ છે આવા અનેક નિયમો છે જો પોલીસ નિયમ પ્રમાણે તો કામ કરે ગુનેગાર આપણને ઘરની બહાર પણ નિકળવા દે નહીં.

આપણી ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ જેવી એજન્સીમાં કામ કરતી પોલીસને તુરંત એકશનમાં આવવાનું હોય છે, અનેક વખત રાજય બહાર રહેલા ગુનેગારોને પકડવા માટે બાયએર તરત નિકળી જવું પડે છે. નિયમ પ્રમાણે તો ડીવાયએસપીથી નીચેની કક્ષાનો અધિકારી મંજુરી વગર વિમાનમાં પ્રવાસ કરી શકતો નથી, જો મંજુરી લેવા જાય તો મંજુરી આવે તે પહેલા ગુનેગાર ત્યાંથી નિકળી જાય એટલે ઈન્ફોર્મેશન મળતા પોલીસ તરત એકશનમાં આવે છે પ્લેન દ્વારા જે તે રાજ્યમાં જઈ ગુનેગારને ઝડપી પાડે છે, આ પોલીસ અધિકારીને કયારે કોઈ સરકાર પુછતી નથી કે તમે પ્લેનમાં કાશ્મીર ગયા કે કન્યાકુમારી ગયા તેનું ભાડું કોણે આપ્યું સરકાર અને પ્રજાને તો પરિણામથી નીસ્બત હોય છે, વડોદરાનો કુખ્યાત આરોપી મુકેશ હરજાણી પોલીસથી બચવા રોજ પાંચસો કિલીમીટરનો પ્રવાસ કરતો હતો, તેની પાસે મોંધી અને મોટી કાર હતી, હવે પોલીસની બોલેરો કાર દ્વારા તેનો પીછો કરી તેને પકડી શકાય તેમ ન્હોતો, તેને પકડવા ગયેલી પાંચ ટીમ હરજાણી જેવી આધુનિક કાર લઈ તેની પાછળ લાગી હતી અને દિવસોની મહેનત પછી તેને પકડયો હતો.


 

 

 

 

 

જો ગુજરાતના તમામ પોલીસ ઈન્સપેકટર્સ નક્કી કરે કે અમે ભ્રષ્ટાચારના પૈસા લઈશું નહીં તો તમામ પોલીસ સ્ટેશનો બંધ કરી દેવા પડે કારણે એક પોલીસ સ્ટેશન ચલાવવા માટે નિયમબહાર જઈને એક ઈન્સપેકટરને પોલીસ સ્ટેશનનો ખર્ચ મહિને લાખ રૂપિયા આવે છે, જો આ પૈસા પોતાના ખીસ્સામાંથી કાઢે તો પગાર પણ ત્યાં મુકી લોન લેવી પડે તેવી સ્થિતિ નિર્માણ થાય આમ આ પણ સિક્કાની બીજી બાજુ છે જેની સામાન્ય માણસને ખબર પડતી નથી, તેનો અર્થ એવો પણ નથી કે પોલીસના ભ્રષ્ટાચાર કાયદેસરની મહોર મારી દેવામાં આવે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર ન્યાયી ઠેરવી શકાય નહીં થતાં જે પોલીસને આપણી રોજબરોજની જીંદગી સાથે સંબંધ છે. તેવી પોલીસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પણ ભ્રષ્ટાચાર કરવો પડે તે માત્ર પોલીસની જ નહી ંઆપણી પણ કમનસીબી છે પણ પોલીસની સ્થિતિ તો ઘરની ગરીબ વહુ જેવી છે, એટલે તક મળે ત્યારે પોલીસ પણ તેનો ગુસ્સો તમારા અને મારા જેવા નાગરિક ઉપર ઉતારી પોતાનું પોલીસત્વ પુરવાર કરે છે.