એક તરફ કોરોનાના વધતા કેસને કાબૂમાં લેવા માટે મર્યાદિત લોકોની હાજરીમાં જ લગ્ન પ્રસંગ આયોજીત કરવા ગુજરાત સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે અને તેનું કડક પાલન થાય તેની જવાબદારી પોલીસને સોંપી છે. 

પાવાગઢ પોલીસને બાતમી મળી હતી કે એક વરધોડામાં 100થી વધુ લોકો નિયમોનો ભંગ કરીને ડીજેના તાલે નાચી રહ્યા છે. બાતમીના આધારે પાવાગઢ પી.એસ.આઇ પી.એન.સિંહ સહિતની ટીમે મુલધરી ગામે લગ્નના વરઘોડામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 200 જેટલા લોકો  ડીજેના તાલે અને વિના માસ્કે ગીતો પર ઝૂમી રહ્યા હતા. પોલીસ આવ્યાની જાણ થતાં વરઘોડામાં નાચી રહેલા કેટલાક લોકો અંધારાનો લાભ લઇને ભાગી છૂટ્યા હતાં. જો કે કેટલાક લોકો તો રીતસર પોલીસને કહ્યું કે અમે તો અમારા સંબંધીના લગ્ન હોઇ વરઘોડામાં નાચીશું. પોલીસ સાથે વિવાદ સર્જતાં મામલો વધુ પોલીસ બોલાવતા વરઘોડામાં નાચી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે સ્થળ પરથી વરરાજાના પિતા રાજેન્દ્રભાઈ રાઠોડ, હસમુખભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર,દિલીપભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, અને વિક્રમભાઈ પરમારની અટકાયત કરી હતી. જ્યારે લગ્ન-પ્રસંગમાં સામેલ ડીજે સંચાલક,ગોર મહારાજ, રસોઈયા, અને મંડપ સંચાલકની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.