મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકના બે અબજ ડોલરના લોન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓની 218 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ પહેલા પણ ઇડીએ નીરવ મોદી, તેના ભાઇ અને અન્ય લોકોની 637 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી હતી. આ સંપત્તિઓ ભારત અને અન્ય ચાર દેશોમાં આવેલી છે.

ઇડીએ આ કાર્યવાહી પીએમએલએ કોર્ટમાં મેહુલ ચોક્સી હાજર ન થયા બાદ કરવામાં આવી છે. કોર્ટે કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

ઇડીએ પીએમએલએ એક્ટ હેઠળ નીરવ મોદીની જે સંપતીઓ જપ્ત કરી હતી તેમાં પાંચ વિદેશી બેંક ખાતા (કુલ રકમ 278 કરોડ રૂપિયા), હોંગકોંગથી જપ્ત કરાયેલ હીરાના ઝવેરાત (22.69 કરોડ રૂપિયા) અને 19.5 કરોડ રૂપિયાની કિંમતનો દક્ષિણ મુંબઇ સ્થિત એક ફ્લેટ છે. આ સિવાય ઇડીએ 216 કરોડ રૂપિયાની કિંમતની ન્યૂર્યોક સ્થિત બે સંપત્તિઓ પણ જપ્ત કરી હતી.

ઇડીના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલે અન્ય એક આરોપી આદિત્ય નાણાવટી વિરૂદ્ધ રેડ કોર્નર કોટિસ જારી કરવામાં આવી છે.