મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના એક સહયોગી દીપક કુલકર્ણીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ દ્વારા કોલકાતા એરપોર્ટ પરથી આજે મંગળવારે સવારે ધરપકડ કરી હતી. કુલકર્ણી હોંગકોંગથી કોલકાતા એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાંથી ઉતરતા જ ઝડપી લેવામાં આવ્યો હતો. દીપક કુલકર્ણી મેહુલ ચોક્સીના હોંગકોંગની ડમી ફર્મનો ડાયરેક્ટર હતો.

નકલી એલઓયુથી પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડના આરોપી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોક્સી દેશ છોડી ફરાર થઇ ગયા છે. થોડા સમય પહેલા મેહુલ ચોક્સી અમેરિકાથી એંટીગુઆ પહોંચ્યો હતો અને ત્યાની નાગરિકતા પણ મેળવી લીધી હતી.  ત્યાર બાદ ભારત સરકારે એંટીગુઆ સરકાર પાસેથી મેહુલ ચોક્સીને ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંની સરકાર મેહુલ ચોક્સીને સોંપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમની ભારત સાથે કોઈ પ્રત્યર્પણ સંધી નથી થઇ.

મેહુલ ચોક્સી અને તેમના ભાણેજ નીરવ મોદી પંજાબ નેશનલ બેંકમાંથી 13450 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા મામલે જાન્યુઆરી 2018માં ભારત છોડી વિદેશ જતા રહ્યા હતા.