મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પબ્લિક રિલેશન ઓફિસર (પી.આર.ઓ.) જગદીશભાઇ ઠક્કર (PRO)નું આજે દિલ્હી ખાતે 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા ત્રણ મહિનાથી એઇમ્સ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી.

ગુજરાતમાં કેશુભાઇ અને નરેન્દ્ર મોદી સહિતના મુખ્યમંત્રીઓના પીઆરઓ રહેલા જગદીશભાઇ ઠક્કરને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એટલે પોતાની સાથે દિલ્હી લઇ ગયા હતા અને તેમને પોતાના પીઆરઓ બનાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયું છે. જગદીશ ઠક્કર મુખ્યમંત્રી કાર્યાલયમાં જન સંપર્ક અધિકારી (પબ્લિક રિલેશન ઓફિસર) તરીકેની ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2004માં અધિક નિયામક પદ પર હતા ત્યારે નિવૃત્ત થયા હતા. જોકે, નરેન્દ્ર મોદીએ તેમની સેવા ચાલુ જ રાખી હતી. જગદીશભાઈ ઠક્કરનું મૂળ વતન ભાવનગર હતું. તેઓ 1966-67માં ગુજરાત સરકારના માહિતી ખાતામાં જોડાયા હતા.

આ દુખની ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જગદીશ ઠક્કરના પરિવારજનો મળ્યા હતા અને દુખ પ્રગટ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં તેમની સાથેનો ફોટો પણ શેર કર્યો છે તથા શ્રદ્ધાંજલી આપતા લખ્યું છે કે, જાણીતા પત્રકાર અને પીએમઓના પીઆરઓ જગદીશ ઠક્કરનું નિધન થતાં ખૂબ જ દુખની લાગણી અનુભવુ છું. તેમની સાથે વર્ષો સુધી ગુજરાત અને દિલ્હીમાં મેં કામ કર્યું હતું. અમે ખૂબ સારા માણસ એવા જગદીશભાઇને ગુમાવ્યાનું દુખ છે.