આદરણીય નરેન્દ્ર મોદીજી,

ઘણા લાંબા સમય પછી આપને પત્ર લખી રહ્યો છુ, દેશ કોરોનાની જે સ્થિતિ સામે લડી રહ્યો છે, આ લડાઈ માત્ર સરકારની જ નહીં પણ પ્રજા અને સરકારે સામુહીક રીતે લડવાની છે, કોરોનાની ભયાનકતાનો તમને અંદાજ છે, બીજી લહેર પછી દેશ કેવી બીહામણી સ્થિતિમાંથી પસાર થયો તેનો વિચાર કરતા મારા રૂવાડા આજે પણ ઉભા થઈ જાય છે બીજી લહેરમાં શ્રીમંત-ગરીબ અને પ્રજા અને રાજનેતાની તમામની સ્થિતિ સરખી હતી , તંત્ર અને   પ્રજા એક સાથે લાચાર બની ગઈ હતી, પણ ઈશ્વરની કૃપાથી આપણે તેમાથી પણ બહાર આવ્યા, આજે દેશની એક પણ વ્યકિત એવી નથી જેમણે બીજી લહેરમાં પોતાના સ્વજન અને મિત્ર ગુમાવ્યો ના હોય.

બીજી લહેરની ભયાનકતાનો આપણને અંદાજ ન્હોતો જેના કારણે અસંખ્ય ચુકો પણ થઈ અને હજારો લોકોએ સારવારના અભાવે જીવ પણ ગુમાવ્યો, બીજી લહેર પછી તમામ રાજયોએ ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દીધી છે, કારણ રાજય માટે એક એક જીવ મહત્વનો છે, બીજી લહેરમાં જે ભુલો થઈ તેનું પુનરાવર્તન ત્રીજી લહેરમાં થાય નહીં તે જરૂરી છે, પરંતુ અફસોસ સાથે કહેવુ પડે છે કે ગુજરાત સરકારે ત્રીજી લહેરની તૈયારીને બદલે અમદાવાદમાંથી પરંપરાગત નિકળતી રથયાત્રા કાઢવાની તૈયારી શરૂ કરી છે. તમે અમદાવાદની રથયાત્રાથી તો છેલ્લાં છ દસકથી વાકેફ છો, તમે મુખ્યમંત્રી હતા ત્યાં સુધી પહીદવિધી પણ તમારા હાથે થઈ છે.

રથયાત્રા સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાઈ છે તેવુ ગુજરાત સરકાર કહે છે તેમાં કોઈની ના નથી, પરંતુ વર્તમાન સ્થિતિ નાજુક છે, રાજય સરકાર માટે તો માણસને બચાવવો તે પણ તેનો ધર્મ છે, રાજયનો વ્યકિતગત કોઈ ધર્મ હોતો નથી, રાજય તરીકે બહુમતી અને લધુમતીના આધારે નિર્ણય કરવાને બદલે માણસને ધ્યાનમાં રાખી નિર્ણય કરવાનો છે બીજી લહેરમાં અમદાવાદમાં રોજના પાંચ હજાર કેસ નોંધાતા હતા, સરકારી અધિકારીઓ અને સારવાર કરનાર ડૉકટરો પણ હાંફી ગયા હતા., આજે સ્થિતિ સારી છે અમદાવાદનમાં હવે બે આંકડામાં કોરાના કેસ આવી રહ્યા છે, પણ આ બે આંકડા ત્રણમાં અને પછી ચાર આંકડામાં દર્દીઓ વધી જાય નહીં તેની તકેદારી પ્રજાની સાથે સરકારે પણ રાખવી જોઈએ,

Advertisement


 

 

 

 

 

માત્ર રથયાત્રા જ નહીં તાજીયા અને ગણેશ ઉત્સવ ઉપર ઉપર પણ રોક લગાવવાની જરૂર છે, મુદ્દો હિન્દુ મુસ્લિમનો જરા પણ નથી , પણ જો રથયાત્રા નિકળી તો લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવશે અને આપણી હોસ્પિટલો કીડી મકોડાની જેમ ઉભારશે, ત્યારે રાજય સરકાર પાસે લાચારી સિવાય કઈ નહીં હોય, મારી જાણકારી પ્રમાણે અમદાવાદ પોલીસ અને ગુપ્તચર વિભાગે તો રાજય સરકારને રથયાત્રા કાઢવી જોઈએ નહીં તેવો પોતાનો મત વ્યકત કર્યો છે પરંતુ રાજય સરકાર આ મુદ્દે કુંડાળાની બહાર ઉભા રહીને વિચારવાને બદલે હિન્દુઓની આસ્થાનો વિચાર કરી રહી છે, રાજય સરકાર ભુલી જાય છે કે બીનહિન્દુઓના દબાણમાં રથયાત્રા બંધ રાખવાની વાત નથી., પણ જે કોરોના ગુજરાતના હજારો લોકોને ભરખી ગયો તે કોરાનાને કારણે યાત્રા નહીં કાઢવામાં જ ડાહ્પણ છે..

જુલાઈ મહિનામાં કોરાનાની શુ સ્થિતિ છે તેના આધારે રાજય જો રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવાની હોય તો તે મોટી ભુલ સાબીત થશે, હાલમાં જે આંકડા છે  તેનો ગુણકાર થતાં વખત લાગશે નહીં, સરકાર અમદાવાદમાં કરફયુ નાખી યાત્રા કાઢવાનો વિચાર કરી રહી છે,.પણ કરફયુમાં અમદાવાદી રસ્તા ઉપર ઉતરી આવ્યા તો શુ કરશો, તમે તો અમદાવાદની પોળની ભુગોળથી વાકેફ છો, અને માની લો કે કરફયુ નાખી યાત્રા નિકળી તો તેની પાછળ તાજીયા પણ આવશે તો શુ મુસ્લિમ બીરાદરોને કરફયુ નાખી તાજીયા કાઢવાની મંજુરી આપશો, ગત વર્ષે યાત્રા-તાજીયા-ઈદ નવરાત્રી અને ગણેશ ઉત્સવ ઉપર રોકના એક સરખા નિયમ હતા તેનો જ અમલ આ વર્ષે પણ કરવો જોઈએ,

મારા અને તમારા ધર્મ કરતા માણસ મહત્વનો છે, રથયાત્રા તો કાઢવી જોઈએ તેવી માગણી કરનારે કોરાનામાં પોતાનો કોઈ સ્વજન ગુમાવ્યો નહીં હોય, પણ જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને જ તેની પીડા સમજાશે, હું તો એક અમદાવાદી અને ગુજરાતી તરીકે આ વિષયને જોઈ રહ્યો છુ, પણ તમારા ભાગે તો સમગ્ર દેશની ચીંતા હોય છે, તમારા કરતા આ મામલાની ગંભીરતા વધારે કોણ સમજી શકે તેમ છે., મારી એક નાનકડા નાગરિક તરીકે તમને એટલી જ વિનંતી છે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહીં દેશમાં કોઈ પણ ધર્મ દ્વારા આ પ્રકારના જુલુસ અને યાત્રા નિકળતી હોય તો તેને રોક લગાવજો, કારણ અમારે મરવુ નથી અને અમારા સ્વજનને મરતા જોવા નથી

તમારો

પ્રશાંત દયાળ