પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલમાં દેશમાં જે સ્થિતિ છે તેના કારણે સમગ્ર દેશ લોકડાઉન થઈ ગયો છે,જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાંત કરી ત્યારથી દેશના અનેક લોકોના ભવા ચઢી ગયા છે. વિશ્વના ચીન સહિત  જે દેશોમાં કોરાનાની અસર થઈ ત્યાં લોકડાઉન જ અસરકારક ઉપાય છે તેવું વિશ્વના તમામ દેશોએ સ્વીકારી લીધુ છે. વિશ્વના અન્ય દેશોમાં કોરાનાએ કેર વર્તાવ્યો ત્યારે તેમણે લોકડાઉન કર્યું પણ ત્યારે ત્યાં બહુ મોડું થઈ ગયું હતું, નરેન્દ્ર મોદીએ પ્રારંભીક તબક્કામાં લોકડાઉન જાહેર કર્યુ, બધાએ સમજવાની જરૂર છે. દેશના વડાપ્રધાન અને રાજ્યના કોઈ મુખ્યપ્રધાન કોઈ મહત્વનો નિર્ણય લેતા હોય છે તેમનો વ્યકિતગત નિર્ણય હોતો નથી, તેમની પાસે અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમ હોય છે જેમની સલાહ અનુસાર વડાપ્રધાન અને મુખ્યમંત્રી નિર્ણયો કરતા હોય છે.

સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો પણ ઘણા અભ્યાસ અને તેમને દેશ વિદેશમાંથી મળી રહેલી જાણકારી  અને ડેટાના આધારે કોઈ પણ નિષ્કર્ષ ઉપર સરકાર આવતી હોય છે,નરેન્દ્ર મોદી જે નિર્ણયની જાહેરાંત કરે છે તે તેમને વ્યકિતગત નિર્ણય હોતો નથી તે સમગ્ર સરકારનો નિર્ણય છે,લોકડાઉનને કારણે લોકોને ઘરમાં રહેવુ પડે છે.ધંધા રોજગાર બંધ થઈ ગયા, ઓફિસો બંધ થઈ ગઈ છે,લોકોને  કામ મળવાનું બંધ થઈ ગયુ છે, દેશનું આર્થિક ચક્ર લગભગ થંભી ગયુ છે,વગેરે અનેક પ્રશ્નો છે તેની સાથે ખાસ કરી ગરીબનું રોજ કમાતા લોકોની મુશ્કેલી ખાસ વધી છે,સરકાર તેમને મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે છતાં અનેક સ્થળે ચુક થઈ રહી છે અને રહેવાની પણ છે પણ હાલમાં  સ્થિતિનું પોસ્ટમોર્ટમ કરવાનો સમય નથી.

સોશીયલ મીડીયા સહિત અને લોકોને મેં લોકડાઉન સહિત નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર  દ્વારા લેવામાં આવેલા નિર્ણયની ટીકાઓ થઈ રહી છે જેવી કે વિદેશમાં રહેતા ગુજરાતીઓના પ્લેન શુ કામ ભારતમાં ઉતરવા દિધા, ચાલતા જઈ રહેલા પરપ્રાતિંયોને તેમના રાજયમાં જવા માટે શુ કામ વ્યવસ્થા કરી આપી,લોકડાઉનને કારણે આર્થિક માળખુ ભાંગી પડશે પણ સરકારને તેની ખબર પડતી નથી પાસપોર્ટવાળાની ભુલની સજા રેશનકાર્ડવાળાને મળી રહી છે વગેરે ચર્ચા તમે પણ સાંભળી હશે,સામાન્ય માણસો ઠીક પણ ખુદ પત્રકારો અને બુધ્ધીજીવીઓ પણ આ પ્રકારની ચર્ચાનો હિસ્સો બનતા હોય છે.

મને અને તમને આ સ્થિતિમાં જે ખબર પડે છે તેના કરતા થોડુક વધારે સરકારી અધિકારીઓ અને નેતાઓને ખબર પડતી હશે તેમાં કોઈ શંકા નથી કારણ તેમને વર્તમાન સ્થિતિનો સીધો સામનો કરવાનો છે,સંભવ છે કે સ્થિતિનું મુલ્યાંકન કરવામાં તેમની ભુલ થવાની સંભાવના છે જેમ લોક ડાઉન બાદ પરપ્રાતિંય મજુરો પોતાના વતન તરફ દોટ મુકશે તેવી કલ્પના સરકારે કરી ન્હોતી,જેના કારણે પરપ્રાંતિય મજુરો માટે કોઈ આગોતરૂ આયોજન થયુ ન્હોતુ,પણ તે સ્થિતિ નિર્માણ થયા બાદ તમામ રાજય સરકારે શકય એટલા તમામ પ્રયત્ન કર્યા તેમાં પણ શંકા નથી, દેશના વિવિધ રાજયના લોકોની વિવિધ સમસ્યા હતી, બધી જ સમસ્યાની માહિતી જે તે સરકાર પાસે પહોંચે અને તમામ સમસ્યાનું સમાધાન થશે તેવુ શકય નહીં,

દરેક વ્યકિતને પોતાની સમસ્યા મોટી જ લાગે તે સ્વભાવીક છે, એટલે દરેક વ્યકિત પોતાની સમસ્યા પ્રમાણે  કેન્દ્ર ્ અને રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું આકંલન કરી રહ્યા છે, સરકારે ભુલો કરી નથી અને ભુલ થવાની નથી તેવુ કયારેય થવાનું નથી આટલા  મોટા દેશમાં 130ની કરોડ વસ્તી ધરાવતા દેશમાં નિર્ણય લેવામાં ચુક પણ થશે પણ દરેક વખતે મંત્રી અને અધિકારીને આરોપીના પાંજરામાં ઉભા કરી દેવા યોગ્ય નથી,આપણને જયારે પણ તેવુ લાગે કે નરેન્દ્ર મોદી અથવા વિજય રૂપાણી બરાબર કરતા નથી ત્યારે આપણે તેમના સ્થાને પોતાને મુકી સામે આવેલી સમસ્યાનો ઉકેલ શુ  હોઈ શકે અથવા આપણે શુ કરતા તેવુ વિચારવાની જરૂર છે,હાલની સ્થિતિમાં જો આપણે આપણી વિચાર કરવાની  પધ્ધતિ બદલીશુ,આપણી સમસ્યા  ભલે ઘટે નહીં પણ સમસ્યા જેટલી મોટી લાગે છે કદાચ તે થોડી  હળવી  લાગશે.