મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હિમાલયમાં મળેલી શાંતિને ક્યારેય ભૂલવા નહીં માંગતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, દર વર્ષે પાંચ દિવસનું એકાંત, જીવન જીવવા માટે મજબૂતી આપે છે. હિમાલયમાંથી પરત આવ્યા પછીનું પોતાનું જીવન બીજા લોકોની સેવા માટે હોવાનું જણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઓફીસ સાફ કરવાથી લઇ ચા-નાસ્તો કરવા સાથે વાસણ ઘસવાનો વારો પણ આવતો હતો.

એક ફેસબુક પેજ સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાલયમાં પસાર કરેલા દિવસો અંગે વિસ્તૃત જાણકારી આપી છે. આ ફેસબુક પેજ પર જુદા જુદા ભાગમાં તેમની વાત શેર કરવામાં આવી છે. તેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હિમાલયમાંથી આવ્યા પછી પોતાનું જીવન બીજાની સેવા માટે જ હોવાનું તેમને લાગ્યું છે. હિમાલયથી પરત આવ્યા બાદ થોડા સમયમાં જ અમદાવાદ જતા મારૂ જીવન બદલાઈ ગયું..! પહેલીવાર કોઈ મોટા શહેરમાં આવી પોતાના કાકા-કાકીને કેન્ટીનમાં મદદ કરી હતી.

થોડા સમયમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ફૂલટાઈમ પ્રચારક બનતા અલગ અલગ ક્ષેત્રોના લોકો સાથે સંપર્ક થયો અને ત્યાં ઘણું કામ પણ કર્યું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઓફીસ સાફ કરવાથી લઇ ચા-નાસ્તો કરવા સાથે વાસણ ઘસવાનો વારો પણ આવતો હતો.

હિમાલયમાં મળેલી શાંતિને ક્યારેય ભૂલવા માંગતા નહીં હોવાનું જણાવી તેમણે કહ્યું કે, જીવનને સંતુલિત રાખવા માટે દર વર્ષે પાંચ દિવસ એકાંતમાં પસાર કરવાનો નિર્ણય કર્યો છે. મોટાભાગના લોકો જાણતા નથી પરંતુ, દિવાળીમાં પોતે પાંચ દિવસ સુધી જંગલ કે એકાંત ધરાવતી જગ્યાએ જાય છે. જ્યાં કોઈપણ ના હોય અને પાંચ દિવસ સુધીના ભોજન સાથે સ્વચ્છ પાણી જ હોય... આ સાથે રેડિયો, ટીવી, ઇન્ટરનેટ કે ન્યૂઝપેપર વગર પાંચ દિવસનું એકાંત જીવન, જીવન જીવવાની મજબુતી આપે છે.