મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે લાલકૃષ્ણ અડવાણી 2019ની લોકસભા ચૂંટણી લડે. એટલે કે ભાજપ પોતાના વયોવૃદ્ધ નેતાઓને ટિકિટ આપી ઉંમરનું ‘બંધન’ તોડવા માગે છે. આનંદબજાર પત્રિકાના એક રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી અને અમિત શાહે અડવાણીના પૃથ્વીરાજ રોડ સ્થિત બંગલામાં તેમની સાથે મુલાકાત કરી હતી.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અડવાણી સહિત મુરલી મનોહર જોશીને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. વર્ષ 2014માં લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. અડવાણીએ 2013માં મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જો કે અડવાણી કશું કરી શક્યા ન હતા. બાદમાં ભાજપની જીત થઇ અને અડવાણી ધીમે-ધીમે પાર્ટીમાં સાઇડલાઇન કરવામાં આવ્યા. તાજેતરમાં ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મુરલી મનોહર જોશીને પણ માર્ગદર્શક મંડળમાં મુકવામાં આવ્યા.      

આનંદબજાર પત્રિકાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીએ અડવાણી સાથે મુલાકાત કરી તેમને આગામી લોકસભા ચૂંટ્ણી લડવાનો પ્રસ્તાવ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સહયોગી રહેલા ટીડીપી નાતો તોડતા હવે અમિત શાહ અને મોદી પોતાના જૂના નેતાઓને જોડવાના કામમાં લાગ્યા છે.