મેરાન્યૂઝ નેટવર્ક.કેવડિયાઃ નરેન્દ્ર મોદી આજે સવરાથી જ ગાંધીનગરથી નીકળી કેવડિયા પહોંચ્યા હતા અહીં તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીં જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, રિવર રાફ્ટિંગ, ઈકો ટુરીઝમ સાઈટ, વિશ્વવનની અને એક્તા નર્સરી સહિતના સ્થળોનું નિરિક્ષણ કર્યું હતું. મોદી આજે પોતાના 70મા જન્મ દિવસે કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટી પર પહોંચેલા નર્મદા ડેમના પાણીને વધાવશે અને મહાઆરતી કરશે.

આજે વડનગરમાં વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે ખાસ પ્રાથના હાટકેશ્વર મંદિરે કરવામાં આવી હતી.

જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વશિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે. પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરશે અને તે જ વખતે પ્રધાનમંત્રી નર્મદા નીરના વધામણાં કરશે. અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરશે.