મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : India's First Driverless Train : દેશમાં પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી મેટ્રોની 'મેજેન્ટા લાઈન' પર ભારતની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમએ આ પ્રસંગે કહ્યું હતું કે 'મને ડ્રાઇવર વિના મેટ્રો રેલનું ઉદઘાટન કરવાની તક મળી છે.આજે,  આ સિદ્ધિ સાથે, આપણો દેશ વિશ્વના પસંદગીના દેશોમાં જોડાયો છે જ્યાં આવી સુવિધા છે. ઉદઘાટનના બીજા દિવસે એટલે કે મંગળવારથી આ મેટ્રો સેવા આ રૂટ પર શરૂ થશે.

જણાવી દઈએ કે દિલ્હી મેટ્રોની 37 કિ.મી. લાંબી મેજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન વચ્ચે  ડ્રાઇવરલેસ મેટ્રો સેવા શરૂ થયા પછી 57 કિ.મી. લાંબી પિન્ક લાઈન પર મજલિસ પાર્ક અને શિવવિહાર વચ્ચે ૨૦૨૧ ના મધ્ય સુધી ડ્રાઇવરલેસ મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.

વર્ચુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું કે 2014 માં માત્ર 5 શહેરોમાં મેટ્રો રેલ હતી. આજે, 18 શહેરોમાં મેટ્રો રેલ સેવા છે. વર્ષ 2025 સુધીમાં, અમે તેને 25 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરીશું. આ માત્ર આંકડા નથી, કરોડો ભારતીયોના જીવનમાં આવતા Ease of Livingના પુરાવા છે. આ ફક્ત ઇંટો અને પથ્થર, કાંકરેટ અને લોખંડથી બનેલા માળખાં નથી, પરંતુ દેશના મધ્યમ વર્ગના નાગરિકોની આકાંક્ષાઓની પૂર્તિના પુરાવા છે.

આ દરમિયાન વડા પ્રધાને મેક ઈન ઈન્ડિયાને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને કહ્યું હતું કે મેટ્રો સેવાઓ માટે આ પહેલ કેટલી મહત્વની છે.

આ સમય દરમિયાન, પીએમએ મુસાફરી અને ખરીદી સહિતની ઘણી વસ્તુઓ માટે એક National Common Mobility Card પણ રજૂ કર્યું. તેમણે કહ્યું કે આધુનિકીકરણ માટે સમાન ધોરણો અને સુવિધાઓ પૂરી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્તરે National Common Mobility Card આ દિશામાં એક મોટું પગલું છે. તમે જ્યાં મુસાફરી કરો છો, તમે જે પણ સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી કરો છો, આ એક કાર્ડ તમને એકીકૃત એક્સેસ આપશે.