મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા માટે શુક્રવારે એક બેઠક યોજાવાની હોઈ પોતાની પશ્ચિમ બંગાળની યાત્રા રદ્દ કરી દીધી છે. તે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ફરી પશ્ચિમ બંગાળ જવાના હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું છે કે, કાલે કોવીડ 19 ની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં હું ભાગ લઈશ. જેના કારણે પશ્ચિમ બંગાળ નથી જઈ રહ્યો. પ્રધાનમંત્રી તરફથી બંગાળ પ્રવાસને રદ્દ કરવા પછી ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓએ પશ્ચિમ બંગાળની રેલીઓ પણ રદ્દ કરી દીધી છે.


 

 

 

 

 

પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની રેલીઓ રદ્દ કરવામાં આવી છે. આ અગાઉ ભાજપે કહ્યું હતું કે વધુમાં વધુ 500 લોકોની હાજરી વાળી સભાઓ થશેો. હવે ફક્ત જિલ્લા સ્તર પર સંપર્ક માટે સ્થાનીક નેતા જનસભા કરશે અને તે પણ જરૂરત પડશે તો. કોરોનાની બીજી લહેરને જોતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જંગી મેદનીઓ સાથે રેલીઓ, સભાઓ ગજવ્યા પછી હવે કરવામાં આવેલા આ નિર્ણયને લઈને પ્રધાનમંત્રીને સોશિયલ મીડિયા પર જોરદાર કમેન્ટ્સ મળ્યા છે. લોકોએ લખ્યું છે કે કોઈ આરતીની થાળી લાવો રે...., કોઈએ લખ્યું કે, શરમજનક, દેશ ઓક્સીજન-ઓક્સીજન બુમો પાડે છે પરંતુ પ્રધાનમંત્રી બંગાળમાં રેલીમાં વ્યસ્ત, હવે ખ્યાલ આવ્યો, દેશ હિતની વાત, સ્કૂલ બંધ હોય તો ભણતર ઓનલાઈન થઈ શકે, ચૂંટણી સ્થગિત કે ઓનલાઈન રેલીઓ કેમ ન કરી?, આખરે... વગેરે જેવી પ્રતિક્રિયાઓ લોકોએ આપી છે.

આ પહેલીવાર છે કે વડા પ્રધાને પ્રચાર માટે તેમનો પશ્ચિમ બંગાળ પ્રવાસ રદ કર્યો છે. તેમણે અહીં રેલીઓને સંબોધન કરવું હતું. એવા સમયે, જ્યારે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, ત્યારે વડા પ્રધાન અને ભાજપના અન્ય નેતાઓ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની બેઠકો ઘણી ભીડ એકઠી કરી હતી, જેનાથી કોરોના ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે.