મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંસદના શીયાળુ સત્રના પહેલા મંગળવારે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ હતી. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મંત્રી હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંસદમાં સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગેરહાજર રહેનારા સાંસદોને ફટકાર લગાવતા કહ્યું કે જો બાળકોને કોઈ વાત સતત કહેવામાં આવે તો તે પણ આવું નથી કરતાં. કૃપા કરી પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. બેઠક દરમિયાન 15 નવેમ્બરે બિરસા મુંડા જયંતિની જાહેરાત માટે પ્રધાનમંત્રીનું સમ્માન પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બરે ભાજપના જિલ્લા પ્રમુખો અને વિભાગીય પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠક કાશીમાં યોજાશે. તેમણે કહ્યું કે વડાપ્રધાને બેઠક દરમિયાન અનેક માર્ગદર્શિકા જાહેર કરી.

પીએમ પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે લાઈવ પ્રોગ્રામ કરશે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ સારું કામ કર્યું છે તેમને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેઓ જલ્દી જ બધા સાથે લાઈવ પ્રોગ્રામ કરશે.