મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાનના વડાપ્રધાન ડૉ. લોતાય શેરિંગે 20 નવેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ સેરેમની દ્વારા ભૂતાનમાં રૂપે (RuPay) કાર્ડ્સના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનની વીવીઆઇપી મુલાકાતે ગયા હતા, તે દરમિયાન આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો બંને રાષ્ટ્રના નેતાઓ દ્વારા સંયુક્ત રીતે 17 ઓગસ્ટ, 2019ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ભારતના નાગરિકોને ભૂતાનમાં ભારતીય બેંકો દ્વારા તેમને આપવામાં આવલા કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કરવાની સરળતા તેમજ ભૂતાનમાં આવેલા એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ્સ (PoS) ને એક્સેસ કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ હતી. 

હવે, બીજા તબક્કામાં ભૂતાનના રૂપે કાર્ડધારકોને ભારતમાં રૂપે નેટવર્ક એક્સેસ કરવાની સુવિધા પ્રાપ્ત થશે. ભારત અને ભૂતાને હંમેશાં ‘નેચરલ પાર્ટનર્સ’ (પ્રાકૃતિક ભાગીદારો) તરીકે પોતાના નિકટના સંબંધો પર ભાર મૂક્યો છે. બીજા તબક્કાના પ્રારંભમાં, ભૂતાન અને ભારત વચ્ચેના પરસ્પરના સહયોગને વધુ મજબૂત બનાવવા અને ક્રોસ બોર્ડર ડિજિટલ ઇકોનોમિક સમૃદ્ધિ માટે ફાઈનાન્શિયલ ટેક્નોલોજીનો લાભ આપવા માટેની એક ઊંડી સમજણ પ્રદર્શિત થાય છે. બંને દેશો વચ્ચેના સંબંધો એક વૈશ્વિક ઉદાહરણ સ્થાપિત કરે છે કારણ કે તે 21મી સદીમાં કનેક્ટિવિટીના નવા બંધનોને એકીકૃત કરે છે.

આ વર્ચ્યુઅલ લોન્ચ દરમિયાન ભૂતાનના વડાપ્રધાન ડૉ. લોતાય શેરિંગે કોવિડ-19 મહામારીનું ઉત્તમ રીતે નિયંત્રણ કરવા માટે ભારતને અભિનંદન આપ્યા અને ભૂતાનની વિવિધ બાબતોના સંચાલન માટે ભારત તરફથી સતત મળતી રહેલી સહાયતા માટે તેમણે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. રૂપે કાર્ડ્સના બીજા તબક્કાની શરૂઆતથી ભૂતાનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં વધારો થશે, જેમાં ભૂતાન નેશનલ બેંક દ્વારા આપવામાં આવેલા રૂપે કાર્ડ્સથી કાર્ડધારકો ભારતમાં એટીએમ્સ અને પોઈન્ટ ઓફ સેલ્સ (PoS) ટર્મિનલ્સને એક્સેસ કરી શકશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થવાને કારણે ભારતને અત્યાર સુધીમાં ખૂબ ફાયદો થયો છે. આ લોન્ચથી ભૂતાનને પણ એટલો જ ફાયદો થવાની અપેક્ષા છે અને તેના દ્વારા ભૂતાનના લાખો લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે, ખાસ કરીને ત્યારે, જ્યારે વૈશ્વિક પ્રવાહો કેશલેસ છતાં ડિજિટલ રીતે જોડાયેલી અર્થવ્યવસ્થા તરફ નિર્દેશ કરે છે. આ પ્રોજેક્ટ, વિઝા અને માસ્ટર કાર્ડ્સની જેમ જ રૂપે કાર્ડ્સના આંતરરાષ્ટ્રીયકરણમાં પણ સહાયક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના બીજા તબક્કાના લોન્ચનો હિસ્સો બનવું અને રૂપે નેટવર્કમાં એક પૂર્ણ ભાગીદાર (ફુલ પાર્ટનર) તરીકે ભૂતાનનું સ્વાગત કરવું એ મારા માટે એક લ્હાવો છે.


 

 

 

 

 

રૂપે એ ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનું નેટવર્ક છે જેને 2012માં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ડોમેસ્ટિક, ઓપન અને મલ્ટિલેટરલ પેમેન્ટની સિસ્ટમના વિઝનને સાકાર કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ નેટવર્કના લોન્ચ થયા પછી રૂપે કાર્ડના ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે લોકોએ ડોમેસ્ટિક કાર્ડ પેમેન્ટ સિસ્ટમને વ્યાપક રીતે અને ખૂબ ઝડપથી અપનાવી લીધી છે. ઇન્ડિયન બેન્કોના એસોસિયેશનની 73મી વાર્ષિક સામાન્ય સભામાં બેન્કરો સાથે વાતચીત કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારામને પ્રાથમિકતાના ધોરણે રૂપે કાર્ડ્સ ઇશ્યુ કરવા પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને એવા સમયે જ્યારે રૂપે કાર્ડ સાચા અર્થમાં વૈશ્વિક કાર્ડ બની રહ્યું છે.

હાલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય, બંને સ્તરોએ રૂપે કાર્ડના ઉપયોગથી 2988 કરોડ કરતા પણ વધારે ડિજિટલ પેમેન્ટના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે. 190 દેશોમાં 4.1 કરોડ વેપારીઓ અને 18 લાખ એટીએમ દ્વારા રૂપે કાર્ડ્સને સ્વીકૃતિ આપવામાં આવી છે. આ બીજા તબક્કાના લોન્ચ સાથે ભૂતાન રૂપે નેટવર્કમાં ભારતનું પૂર્ણ ભાગીદાર બન્યું છે. 2019માં ભૂતાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત થાય તેવી ઇચ્છા દર્શાવી હતી. ભૂતાનમાં રૂપે કાર્ડધારક દ્વારા કોઈપણ રકમનો ઉપાડ (વિથડ્રો) કરવામાં આવશે તો તેને આરએમએ (RMS’s) અકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ ક્રેડિટ દ્વારા સેટલ કરવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે ફોરેન કરન્સી આઉટફ્લો ખૂબ ઓછો થઈ જશે, જેનાથી બંને દેશોને ફાયદો થશે એવી અપેક્ષા છે. અત્યારસુધીમાં, ભૂતાનમાં 11,000થી પણ વધુ રૂપે ટ્રાન્ઝેક્શન્સ સફળતાપૂર્વક થઈ ચૂક્યાં છે. ભૂતાન નેશનલ બેંક દ્વારા હવે જે રૂપે કાર્ડ્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે, તેના કારણે કાર્ડધારકોને ભારતમાં 1,00,000 કરતા પણ વધુ એટીએમ અને 20,00,000 જેટલા પીઓએસ ટર્મિનલની એક્સેસ મળશે.

કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિ હોવા છતાંપણ, બંને દેશો વચ્ચે સહયોગની આ નવી ક્ષિતિજોનો વિસ્તાર થવાને કારણે, ખાસ કરીને ડિજિટલ, સ્પેસ અને નવી ટેક્નોલોજીઓના ક્ષેત્રનો વ્યાપ વધવાને કારણે બંને દેશો વચ્ચે 21મી સદીમાં વધુ સારા સંબંધોનું નિર્માણ થયું છે. ભારત અને ભૂતાન વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની ભાગીદારી છે, બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ અને આદરનો ભાવ છે, જે એક સહિયારા સાંસ્કૃતિક વારસા અને લોકો વચ્ચેની મજબૂત કડીના કારણે વધુ ઘનિષ્ઠ બન્યો છે. આ ઉપરાંત, ભારતને વૈશ્વિક નકશામાં અગ્રેસર રીતે સ્થાપિત કરવા માટે આ એક કાર્યક્ષમ ચેનલ છે, જે વિશ્વમાં આપણી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે.