મેરાન્યૂઝ નેટવર્ક.કેવળીયાઃ આજે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ છે. જેને પગલે રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ખાતે આવ્યા અને તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ અહીં રાષ્ટ્રીય એક્તા પરેડમાં ભાગ લીધો હતો અને એક્તાના શપથ લેવડાવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધન કર્યું હતું. તેમણે સરદાર પટેલ અમર રહે અમર રહે...ના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, સરદાર સાહેબ પાસે આવીને મને શાંતિ અને ઉર્જાની અનુભૂતી થઇ રહી છે. સરદાર પટેલની પ્રતિમા વિવિધતામાં એકતાનું પ્રતિક છે અને આ પ્રતિમા આખા વિશ્વને આકર્ષિત અને પ્રેરિત કરે છે. રાષ્ટ્રીય એકતા પરેડ અને રન ફોર યુનિટીમાં ભાગ લેવા માટે દેશવાસીઓનો આભાર વ્યક્ત કરૂ છું. ચાણક્યની સદીઓ પછી એકતાનું કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું હતું. સરદાર પટેલે દેશને એકસુત્રમાં પરોવીને દેશ વિરોધી શક્તિઓને પરાસ્ત કરી દીધી હતી. આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળી રહી છે, તેનું કારણ એક રાષ્ટ્ર અને શ્રેષ્ઠ રાષ્ટ્ર છે.

તેમણે કહ્યું કે, આજે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાતોમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. હું આજે રાષ્ટ્રીય એકતા દિવસે દરેક દેશવાસીઓને કહુ છું, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી, જે યુદ્ધ જીતી શકતા નથી, તેઓ આપણી એકતાને પડકાર આપી રહ્યા છે. આપણી એકતાને તોડવાની પ્રયત્ન કરે છે, પણ આપણી એકતાને કોઇ પરાસ્ત કરી શક્યુ નથી. આપણે 130 કરોડ ભારતીયોએ એક થઇને તેમનો મુકાબલો કરવો પડશે અને તે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે.

તેમણે આર્ટિકલ 370 સંદર્ભે કહ્યું કે, આર્ટિકલ 370એ જમ્મુ કાશ્મીરને આતંકવાદ અને અલગાવવાદથી વિશેષ કશું આપ્યું નથી, 40 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા હતા. અનેક માતાઓ પોતાના દિકરાઓને ખોઇ ચૂકી છે. અનેક બાળકો માતા-પિતાને ખોઇ ચૂક્યા છે. આજે હું સરદાર સાહેબને કહેવા માંગું છું કે, સરદાર સાહેબ તમારું જે સપનું અધૂરું હતું તે દિવાલ પાડી દેવામાં આવી છે. આજે તેમની જન્મ જયંતિએ 370 હટાવવાના નિર્ણયને સરદાર સાહેબને સમર્પિત કરૂ છું. આજથી જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પોતાના નવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. અને જોગાનુજોગ આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે.

દેશની એકતા પર થનારા તમામ હુમલાઓને અમે જડબાતોડ જવાબ આપીશું. આજે નોર્થ ઇસ્ટનો અલગાવ લગાવમાં બદલાઇ રહ્યો છે, તેમની સાથે ભાવાત્મક નાતો જોડીને થયું છે. સરદાર સાહેબની આ પ્રતિમા પ્રવાસ નહીં પણ પ્રેરણાનું સ્થાન છે. હિન્દુસ્થાનનો નાગરીક પોતાની ફરજો પ્રત્યે સભાન બન્યો છે, પાણીની બચતને રાષ્ટ્રીય કર્તવ્ય માને છે. ઘરથી નીકળે છે તો પોતાની સાથે કપડાનો થેલો પણ સાથે રાખે છે જેથી પ્લાસ્ટિકની થેલી ન વાપરવી પડે.