મેરાન્યૂઝ નેટવર્ક.કોલંબોઃ સતત બીજી વાર સત્તામાં આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પહેલા વિદેશ પ્રવાસના બિજા ચરણમાં રવિવારે શ્રીલંકા પહોંચ્યા હતા. કોલંબોના ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીંથી પીએમ મોદી કોલંબોના સેન્ટ એન્ટની ચર્ચ પહોંચ્યા હતા અને એપ્રિલમાં થયેલા આત્મઘાતી સીરિયલ બ્લાસ્ટમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઈસ્ટર બ્લાસ્ટ બાદ પીએમ મોદી શ્રીલંકા જનારા પ્રથમ વિદેશી નેતા છે.

વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી શ્રીલંકામાં વિદેશી યાત્રાળુઓની અવરજવરમાં અસર પડશે, જેનાથી લંકાની અર્થવ્યવસથાને પણ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ઈસ્ટર સીરિયલ બ્લાસ્ટનો શ્રીલંકામાં ટુરીઝમમાં ઘણી અસર થઈ છે અને તે પણ અત્યંત ખરાબ. તેમાં પણ ભારત હંમેશા શ્રીલંકાની જરૂરતના સમયે તેના સાથે ઊભું રહ્યું છે. ક્યારેક દુકળ, પુર આવ્યું હોય, ભારતે હંમેશા શ્રીલંકાને મદદ પહોંચાડી છે.

શ્રીલંકા પહોંચ્યા પછી મોદીએ સૌથી પહેલા કોલંબો સ્થિત સેન્ટ એન્ટની ચર્ચની મુલાકાત લીધી જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અહીં વડાપ્રધાને બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપી હતી. તે સમયે ટ્વીટ કરીને લખ્યુ કે, મને વિશ્વાસ છે કે શ્રીલંકા ફરીથી ઊભુ થશે. આતંકનું કાયરતાપૂર્ણ કૃત્ય શ્રીલંકાની ભાવનાઓને પરાજીત નહીં કરી શકે. ભારત શ્રીલંકાના લોકો સાથે ઊભુ છે.