પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ચૂંટણી આવે ત્યારે તમામ રાજકિય પક્ષના નેતાઓ પ્રજાને વચન આપવામાં તો જરા પણ કંજુસી કરતા નથી. પરંતુ ચૂંટણી વખતે ખરેખર પ્રજા પાસે મત માંગવા જતા નેતાઓ ભુલી જાય છે કે તેઓ ક્યા મુદ્દે પ્રજા પાસે મત માંગી રહ્યા છે. 2014 પહેલા દેશમાંથી કોંગ્રેસનું શાસન હટાવી શકાય જ નહીં તેવી જે માન્યતા હતી તે નરેન્દ્ર મોદીએ નેસ્તનાબુદ કરી નાખી અને પ્રજાએ નરેન્દ્ર મોદી ઉપર ભરોસો મુકી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા અને દેશનું સુકાન નરેન્દ્ર મોદીને સોપ્યુ હતું.

2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ભ્રષ્ટાચારનો ભરપુર પ્રચાર કર્યો અને તેનો તેમને ફાયદો પણ મળ્યો હતો. ખેર કાળું નાણું લાવવાના મુદ્દે તેમજ દરેક નાગરિકના ખાતામાં પંદર લાખ રૂપિયા આવી જશે તેવુ તેમણે જે વચન આપ્યુ હતું તેવુ થયુ નહીં અને અમિત શાહે તો આ ચૂંટણી વખતનો જુમલો કહી આખી વાત ઉડાડી દીધી હતી. નરેન્દ્ર મોદીની સરકાર સરખી રીતે શાસન કરી શકે તેવી પુરી મોકળાશ તેમને સંસદમાં અને સંસદ બહાર પણ હતી, પણ કોંગ્રેસનું મોઢું કાળું છે તેવુ કહેનાર નરેન્દ્ર મોદી પોતાનું મોઢું સાફ રાખવામાં સફળ રહ્યા નહીં. જે જે મુદ્દે કોંગ્રેસને ભાંડતા હતા તે તમામ મુદ્દે નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા. નરેન્દ્ર મોદીના શાસનમાં નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા હજારો કરોડ રૂપિયાની બેંક લોન લઇ દેશની બહાર જતા રહ્યાં.

પાકિસ્તાન સરહદેથી ઘુસણખોરી થતી રહી અને કોંગ્રેસના શાસનમાં ભારતીય સેનાના જવાનો શહીદ થઈ રહ્યા હતા તે આંકડમાં વધારો થયો અને બાકી હતું તો પુલવામાં થયુ. આમ નરેન્દ્ર મોદી વિપરીત સ્થિતિમાં આવી ગયા પણ સૈનિકો શહીદ થતાં હોય તો પણ તેનું ગૌરવ નરેન્દ્ર મોદી લેવા લાગ્યા અને તેમના પ્રત્યેક ભાષણમાં પાંચ વર્ષના શાસનમાં તેમણે કરેલા કામો કહેવાને બદલે કોંગ્રેસને કારણે દેશ ખાડે ગયો તેની રેકોર્ડ વગાડતા રહ્યા હતા. આમ પાંચ વર્ષમાં તેમણે સામાન્ય માણસના જીવનમાં અચ્છે દિન કેવી રીતે આવ્યા તેવુ તેઓ કહી શક્યા નહીં. 2019ની લોકસભાની ચૂંટણી દેશના પ્રશ્નો અને ભાજપે કરેલા કામને આધારે લડાવી જોઈતી હતી પણ તેવુ થયુ નહીં. નરેન્દ્ર મોદીએ પોતાના પ્રચારના પહેલા દિવસથી ચૂંટણીની સભામાં પાકિસ્તાનને ગાળો આપવાની શરૂઆત કરી હતી.

પાકિસ્તાનને ગાળો આપવાથી મત મળતા હોય તો ગાળો આપવામાં પણ વાંધો નથી., પણ 2019માં પ્રજાએ ભાજપને કેમ મત આપવો જોઈએ અને તેઓ દેશની પ્રજા  માટે શુ કરવા માગે છે તેની યાદી પ્રજા સામે મુકવાને બદલે પાકિસ્તાનનો મુદ્દો મુખ્ય રહ્યો. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનને મુદો બનાવતા અમિત શાહ પણ તેમા જોડાઈ ગયા અને અમિત શાહ પછી ભાજપના 70 ટકા નેતાઓ દેશના પ્રશ્નો છોડી પાકિસ્તાનની જ વાત પોતાની ચૂંટણી સભામાં કરે છે, હું રહી ગયો તેવી લાગણી અનુભવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહી દીધું કે ભાજપ હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે. આમ દેશની બેરોજગારી, ખેડૂતો અને ઉદ્યોગો તેમજ સલામતીનો મુદ્દો બાજુ ઉપર રાખી ભાજપના તમામ નેતાઓ પાકિસ્તાનનો ડર બતાડી રહ્યા છે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે મુસ્લિમોનો ડર બતાડતા રહ્યાં અને હવે ભાજપ હારી જશે તો પાકિસ્તાનું લશ્કર અમદાવાદના ભદ્રના કિલ્લા સુધી આવી જવાનું હોય  તેવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. દેશમાં ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું દેશની સરહદોની રક્ષણ કરવાની જવાબદારી તમામ સરકારો અને સેનાની છે અને તે તમામ સરકારો સારી રીતે સમજે છે અને તે પ્રમાણે જ કામ કરે છે. કેન્દ્રમાં સરકારો બદલાય એટલે સરહદ ઉપર રહેલી સેના પોતાનું કામ કરવાની પધ્ધતિમાં કોઈ ફેરફાર કરતી નથી. જ્યાં સુધી પાકિસ્તાનની તેની ઔકાત સમજાવવાનો પ્રશ્ન છે ત્યાં સુધી ભાજપ કરતા કોંગ્રેસ તે વિષયમાં વધારે માહેર છે. કોંગ્રેસની સરકારે પાકિસ્તાનને બે વખત ઘુળ ચાટતો કરી દીધો હતો અને કોંગ્રેસ તેના કોઈ પીપુડા વગાડતુ નથી. જેમ પરિવારમાં પિતા ઘરના રક્ષણની જવાબદારી ઉપાડે છે તેમ દેશના વડાએ પણ તેનું કામ કરવાનું છે. ઘરનો પિતા અને દેશનો વડો આપણું રક્ષણ કરે છે તેમાં તે આપણી ઉપર કોઈ ઉપકાર કરતો નથી, તેણે તે જ કરવાનું છે.